Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ રસીકરણ વિક અંતર્ગત તાલીમ

રાજુલા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો શરૃ કરવામાં આવેલ છે.જેમા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. જે ૧૧ પ્રકારના ગંભીર રોગોથી રક્ષણ આપે છે. તાજેતરમાં ઓરી અને ડીપ્થેરિયાના સંભવિત કેસો અને લેબોરેટરી કન્ફર્મ આઉટબ્રેક નોંધાતા બાળકોમાં સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવા અને પેન્ટાવેલન્ટ રસીનો એક પણ ડોઝ ન લીધેલ હોય તેવા બાળકોને વહેલી તકે આવરી લેવા ખુબજ જરૃરી છે. સ્પેશિયલ રસીકરણ વિકનો ઉદેશ ૦ થી ૫૯ મહિનાના બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવાનો છે જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ રાજુલા તળેના નર્સ બહેનો અને આશા બહેનોને હેડ કાઉન્ટ સર્વે કરવા માટેની તાલીમ આપી દેવામાં આવેલ છે અને ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન સર્વે કરી તેમાંથી ડ્યુ લિસ્ટ તૈયાર કરી ૧૯ થી ૨૪ ડિસેમ્બર અને ૨૩ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન સ્પેશિયલ ઈમ્યુનાઈઝેશન વિક અંતર્ગત મમતા સેશનમા બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવામાં આવનાર છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમા સમગ્ર દેશને ઓરીમુકત કરવાના અભિયાનના ભાગરૃપે સ્પેશિયલ ઈમ્યુનાઈઝેશન વિકને સફળ બનાવવા તમામ બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.એમ.જોષી અને રસીકરણ અધિકારી ડૉ.એ.એસ.સાલવી કટીબદ્ધ હોવાનુ અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયત્નો તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે યાદીમાં જણાવેલ છે.

(12:05 pm IST)