Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપની જીત વચ્ચે જાણો કચ્છની હલચલ: ગણતરી દરમ્યાન ઉમેદવારે પોતાને ગળે ટુંપો દેતા સૌ દોડ્યા, કઈ કઈ બેઠકોએ શ્વાસ અદ્ધર રાખ્યા

પ્રચાર દરમ્યાન અંતર રાખનારા ઉજવણીમાં દેખાયા, મુંબઈ, મસ્કત, લંડન સહિત દેશ વિદેશથી લોકોના ફોન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯

કચ્છમાં ગઇકાલે ચુંટણીની મતગણતરી દરમ્યાન સતત ઉત્તેજના ભર્યો માહોલ રહ્યો હતો. અબડાસા બેઠકની ગણતરીએ છેક છેલ્લે સૌના શ્વાસ અદ્ધર રાખ્યા હતા તો રાપર બેઠક ઉપર પણ છેલ્લે સર્જેલી પરિસ્થિત રાજકીય સમીકરણને ઉલટ પલટ કરશે કે નહીં એ વિશે ઉચાટ સર્જ્યો હતો. રાપર અને ભચાઉ સાથે સંકળાયેલા ઉમેદવારોના સબંધો મુંબઈ સાથે ગાઢ રીતે સંકળાયેલા હોઈ મુંબઈથી પટેલ અને જૈન સમાજના આગેવાનોના ફોન પરિણામ જાણવા સતત રણકતા રહ્યા હતા. માત્ર ૫૭૭ મતની સરસાઈ હોઈ અહી રિ કાઉન્ટીંગ પણ કરાયું પરંતુ પરિણામ યથાવત રહ્યા બાદ કયા કયા બુથ ઉપર મત કપાયા તેની રાજકીય ચર્ચા અને ગણતરી શરૂ થઈ હતી. અબડાસા બેઠક ઉપર મોટે ભાગે કોંગ્રેસ હાવી રહી છેલ્લા પાંચ રાઉન્ડ થી બાજી સુધરી પરંતુ આ બેઠક પણ ચર્ચામાં રહી. અહીં એક તબક્કે અપક્ષ ઉમેદવાર અને ભાજપની રાજકીય હુંસાતુંસી ચર્ચામાં આવી હતી. AAP ના પાટીદાર ઉમેદવારને કેસરિયા કરાવવામાં ભાજપ સફળ રહ્યો. તો, ઘણા સમય બાદ અબડાસામાં કોઈ અપક્ષ લઘુમતી ઉમેદવાર નહોતા પરિણામે કોંગ્રેસ તરફે ઉભેલા લઘુમતી ઉમેદવારે પ્રથમવાર લડતા હોવા છતાંયે ત્રણ ત્રણ ચુંટણીનો અનુભવ ધરાવતા ભાજપના ઉમેદવારને છેક છેલ્લે સુધી મજબૂત લડત આપી. જોકે, હેટ્ટ્રિક કરી અબડાસામાં સતત ત્રણ વાર જીતી એક ઉમેદવાર બીજીવાર જીતતા નથી એ મ્હેણું અબડાસાના ઉમેદવારે ભાંગ્યું. ભુજમાં પ્રથમવાર ત્રણ પાટીદાર ઉમેદવારો હતા. પણ, AAP ના ઉમેદવાર નબળા પડ્યા, કોંગ્રેસના ઉમેદવારની આડે AIMIM ના ઉમેદવાર છેક છેલ્લે સુધી આવ્યા. મતમાં પણ ઝાઝો ફરક ન રહ્યો. અહીં લેઉવા અને કડવા પટેલ સમીકરણ ઉપરાંત ધાર્મિક સંસ્થા પણ ચર્ચામાં રહ્યા. જ્યારે AAP અને કોંગ્રેસના રાજકીય સમીકરણ ઉલટ પલટ કરશે એ રાજકીય ગણતરી સાચી પડી જેને પગલે ભાજપને ઐતિહાસિક જીત મળી. અહીં ના ગામો NRI વસ્તી ધરાવતા હોઈ લંડન, આફ્રિકાથી ફોન રણકતા રહ્યા. જ્ઞાતિઓના સમીકરણની ચર્ચા સતત રહી પરંતુ ભાજપે ભવ્ય વિજય મેળવી ભુજની બેઠકનો રાજકીય ઈતિહાસ બદલી નાખ્યો. અંજારમાં ભાજપના ઉમેદવાર નવા હતા, ક્યાંક આંતરિક હુંસાતુંસીનો સુર ચર્ચામાં રહ્યો. પરંતુ ભાજપએ અંજાર બેઠક વિક્રમી સરસાઇ સાથે જીતી. ગાંધીધામ બેઠકની ગણતરી દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર દ્વારા EVM સંદર્ભે આક્ષેપ કરી પોતાને અન્યાય કરાઈ રહ્યો હોવાનું જણાવી ગળે ટુંપો ખાવા પ્રયાસ કરાતા તંત્ર દોડતું થયું હતું. માંડવી બેઠક ઉપર AAP ના ઉમેદવાર પડકાર ઊભો કરી રહ્યા હોવાની ચર્ચા પરિણામમાં વરતાઈ નહોતી. તો, કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારને પક્ષાંતર કરી અપાયેલ ટિકિટ નો રજકીય દાવ નિષ્ફળ રહ્યો. અહીં ભાજપના ઉમેદવાર પ્રથમ વાર ચુંટણી લડતા હોવા છતાંયે જંગી બહુમતી સાથે અત્યાર સુધીની ઐતિહાસિક જીત મેળવી હતી. ઉલટું પ્રથમ વાર મુન્દ્રા અને માંડવી બન્નેએ સતત લીડ આપી હતી. જોકે, કચ્છના  ચુંટણી પરિણામોએ રાજકીય સમીકરણો ઉથલાવી નાખ્યા અને જીતના પરિણામઓ પ્રચાર દરમ્યાન  અંતર રાખનારાઓની દુરી પણ એકાએક દૂર કરી દીધી હતી.

(9:51 am IST)