Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આગામી સોમવારથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરાશે :માર્કેટિંગ યાર્ડના વેપારી ઉપરાંત બહારના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી કરશે

ધોરાજી યાર્ડમાં ડુંગળીની ખરીદી થતા ગોંડલ યાર્ડમા ભીડ ઓછી રહશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : હાલની સિઝનમાં ખેડૂતોને ડુંગળીનો પાક વધારે માત્રામાં ઉત્પાદિત થતાં ડુંગળી વેચવા માટે ગોંડલ યાડમાં  ખેડૂતો ની કતારો લાગી રહી છે.ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપત ભાઈ કોયાણી અને ડુંગળીના મોટા વેપારી દીપકભાઈ વ્યાસ અને વેપારી સાથે વાટાઘાટો થયા બાદ નિર્ણય લેવાયો છે કે આગામી સોમવારથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જાહેર હરાજી શરૂ કરવામાં આવશે.

ડુંગળીના મબલખ ઉત્પાદનને કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી વેચવા માટે ખેડૂતોને ભારે ધસારો રહેશે અને યાર્ડ માં ડુંગળી આવી ગયા પછી ત્રણથી પાંચ દિવસે વેચાઈ રહી છે ત્યાં સુધી ખેડૂતે પોતાના માલનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે છે જ્યારે હવે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની જાહેર હરાજીશરૂ થનાર છે એથી ધોરાજી ઉપલેટા ભાયાવદર પંથકના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી જવું નહીં પડે અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં જ તેમની ડુંગળી વેચાઈ જશે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી  પ્રયાસોથી માર્કેટીંગ યાર્ડના વેપારીઓ ઉપરાંત બહારના ડુંગળીના મોટા વેપારીઓ પણ ખેડૂતોનો માલ ખરીદવા માર્કેટિંગ યાર્ડ માં આવશે આ વેપારીઓ દ્વારા ડુંગળીની મોટાપાયે નિકાસ કરાતી હોવાથી ખેડૂતોનો મોટાભાગનો માલ ખરીદાઈ જશે.
અગાઉ સૌરાષ્ટ્રમાંથી ડુંગળીની કિસાન ટ્રેન ભરી બાંગ્લાદેશ ઉપરાંત દેશમાં  વિવિધ રાજ્યોમાં નિકાસ કરનાર વેપારી દીપકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ડુંગળીના હાલ રૂપિયા 200 થી લઇ 350 સુધીનો ભાવ રહે એવું અનુમાન થઈ રહ્યું છે.
અગાઉ પણ lockdown ના સમયે અને ત્યારબાદ પણ ધોરાજી થી અંદાજે દસ જેટલી વિશેષ ટ્રેનો દ્વારા ડુંગળીની નિકાસ વિદેશ અને અન્ય રાજ્યોમાં થઈ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની હરાજી શરૂ થતા ખેડૂતોએ પોતાનો માલ વેચવા દૂર સુધી નહીં જવું પડે અને સમયસર તેમનો માલ વેચાય તે સુંદર વ્યવસ્થા ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે.

(9:11 pm IST)