Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગિરનારના પગથિયાઓનું સમારકામ કરાશેઃ તળેટીનું પાણી છેક પર્વત પર પહોંચાડાશે

ગાંધીનગરમાં યાત્રાધામ વિકાસ મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો : પર્વત પર વીજ પુરવઠાની સ્થિતિ સુદ્રઢ કરવા ૯ કરોડના ખર્ચે ખાસ લાઈન નખાશે

રાજકોટ, તા. ૯ :. રાજ્ય સરકાર પ્રેરિત યાત્રાધામ (ગિરનાર) વિકાસ મંડળની બેઠક ગઈકાલે ગાંધીનગર ખાતે યાત્રાધામ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અરવિંંદ રૈયાણીની અધ્યક્ષતામાં મળેલ. જેમાં પર્વતના પગથિયાની સુધારણા, સતત વીજળીની સુવિધા, પર્વત પર પાણીની વ્યવસ્થા વગેરે બાબતે મહત્વના નિર્ણયો થયેલ. મંડળના સભ્યો મહેન્દ્ર મશરૂ, પ્રદીપ ખીમાણી અને શૈલેષ દવે ઉપરાંત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

ગિરનાર પર્વતમાં કુલ ૯ હજાર જેટલા પગથિયા છે. જેમા ૫૨૦૦ પગથિયા પછી અંબાજી મંદિર આવે છે. ઘણા પગથિયા લીસા થઈ જવાથી કે અન્ય કારણસર વ્યવસ્થિત ચાલવા લાયક સ્થિતિમાં રહ્યા નથી. આવા પગથિયાઓને ટાંકણા મારી ચાલવા યોગ્ય કરવામાં આવશે. જ્યાં જરૂર હોય ત્યાં પગથિયાની વિશેષ મરામત કરવામાં આવશે. હાલ પર્વત પર પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. યાત્રિકોએ પીવાનું   પાણી સાથે લઇને જવુ પડે છે. સરકાર ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીની ઉંચાઇએ પાણી લઇ જવા માંગે છે તેના માટે પાણીની પાઇપ લાઇન નાખવાનો અને માર્ગમાં સમ્પ હાઉસ બનાવવાનો નિર્ણય થયો છે. પાણી ઉપર ચડાવવા અદ્યતન વિદ્યુત મોટરો મૂકવામાં આવશે. તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચતા માર્ગમાં અમૂક જગ્યાએ  પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભવનાથ તળેટીમાં બોર, કુવા, તળાવ જેવા પાણીના માતબર સ્ત્રોત છે તે પાણી પાઇપ લાઇન દ્વારા લગભગ ૩૪૦૦ ફૂટ જેટલી ઉંચાઇએ પહોચાડવામાં આવશે.

હાલ ગિરનાર પર્વતન પર અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાની ફરીયાદો રહે છે તે નિવારવા માટે ૬૬ કે.વી.ની નવી વીજ લાઇન નાખવામાં આવશે. વીજ લાઇનને વરસાદ, વાવાઝોડુ વગેરે અસર ન કરી શકે તેવી રીતે રાખવામાં આવશે. અંદાજીત ૯ કરોડના ખર્ચે આ કામગીરી પૂર્ણ થયા બાદ ગિરનાર પર્વત પર સતત વીજળી મળતી રહેશે.

(12:44 pm IST)