Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પોરબંદરમાં રખડતી ભટકતી માનસિક દિવ્યાંગ મહિલાઓની સલામતી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત

પોરબંદર તા. ૯ : મહિલા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ અને ઉપપ્રમુખ હંસાબેન તુંબડીયાએ રાજય સરકારને રજુઆત કરીને જણાવ્યું છે કે ગાંધીભૂમિ અને સુદામાની નગરી પોરબંદરના અનેક વિસ્તારોની આજુબાજુ અનેક જગ્યાએ મનોદિવ્યાંગ મહિલાઓ નજરે ચડે છે. આવી મનો દિવ્યાંગ મહિલાઓને સખી વન સેન્ટરોમાં ખસેડવા વ્યવસ્થા કરવા માગણી કરી છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ પરપ્રાંતની હોય છે કારણ કે રેલવે માર્ગે પોરબંદર એ છેલ્લુ સ્ટેશન છે તેથી અહીયા અન્ય રાજયોમાંથી આવી ઘણી મહિલાઓ ભુલી પડીને. આવી જાય છે.

ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સખી વન સ્ટોપ સેન્ટર છે. પરંતુ આ સેન્ટર સુધી જો આવી મહિલાઓ ત્યાં સલામત પહોંચાડવામાં આવે તો થોડા દિવસો સુધી તેન સાચવવામાં આવે છે. અને તેના પરિવારનો અતો પતો મળે તો સંપર્ક સાધવામાં આવે છે. પરંતુ મોટા ભાગે ત્યાં  ગુમ થયેલી અથવા પરિવારથી વિખુટી પડેલી મહિલાઓનું કામ શરૂ થતુ હોય છે. ફુટપાથ ઉપર રઝળતી મનોદિવ્યાંગ  મહિલાઓની કોઇ વ્યવસ્થા હોતી નથી.

આ રજુઆતમાં જણાવેલ કે, ભુતકાળમાં આવી મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના બનાવો પણ બની ચુકયા છે તેથી તેઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની જાય છે. નિઃસહાય અવસ્થામાં જીવન ગુજરાતી આવી મહિલાઓની ભાષા પણ વિચિત્ર હોય છે. અને તે કોઇ સમજી શકતું નથી અગાઉ આવી અનેક મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડવા માટે સામાજિક સંસ્થાના આગેવાનોએ પ્રયત્ન કર્યા હતા અને તેમાં સફળતા પણ મળી હતી પરંતુ તંત્ર દ્વારા તેઓને વતન પહોંચાડવા માટે નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરમાં માનસીક દિવ્યાંગ પુરૂષો રખડતા ભટકતા આવી ચડે તો તેમને સાચવવા માટે વર્ષોથી ભગત પ્રાગજીભાઇ પરસોતમભાઇ આશ્રમ (પ્રાગા બાપાનું આશ્રમ) છે જયાં માત્ર પુરૂષોને જ સાચવવામાં આવે છે.  પરંતુ મહિલાઓ માટે આવો એક પણ આશ્રમ નથી. પોલીસ દ્વારા મહિલાઓ માટે સી-ટીમ બનાવીને કોલેજીયન યુવતીઓ વૃધ્ધા વગેરેને મદદરૂયપ બનવામાં આવે છે. પણ જયા ત્યાં ફુટપાથ પર નજરે ચડતી નિરાધાર લાચાર અને ગુજરાતી ભાષા નથી સમજતી તેવી મહિલાઓ માટે કોઇ જ કામગીરી થતી નથી તેની ચિંતા સેવીને પોરબંદર કોંગ્રેસના મહિલા પ્રમુખ  ભારતીબેન ગોહેલ અને ઉપપ્રમુખ હંસાબન તુંબડીયાએ. રાજય સરકારને રજુઆત કરીને આવી મહિલાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.

(12:40 pm IST)