Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો જામનગર જિલ્લામાં શુભારંભ

જામનગર, તા.૯: દેશભરમાં 'સશસ્ત્ર સેના ધ્વજદિન'ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગત અનુદાન આપી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યાએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ 'કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ' લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ આ કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ છે.

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, રહીશ ઘાંચી, જીતેન્દ્રગીરી ગૌસ્વામી, હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકીયા, પ્રવિણસિંહ જાડેજા સહિતના પૂર્વ સૈનિકો વગેરે જોડાયા હતા.

(10:48 am IST)