Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા : છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાંથી 2,26 કરોડ અને દ્વારકા જિલ્લામાંથી 3,46 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

મોટાપાયે દેશી દારૂ પણ પકડાયો : રાજ્યમાં બે વર્ષમાં 252 કરોડનો દારૂ ઝડપાયો : સૌથી વધુ દેશી દારૂ રાજકોટમાંથી અને વિદેશી દારૂ સુરતમાંથી પકડાયો : 11,813 કિલો ગાંજો પણ ઝડપાયો

જામનગર : ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હોવાનું સરકારી આંકડા પરથી ફલિત થાય છે  શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા બે વર્ષમાં દેશી, વિદેશી દારૂ અને બિયર સહિત નશીલા પદાર્થોનો પકડાયેલો જથ્થો અને તેની કિંમત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો રાજ્ય સરકારે સંકલિત માહિતી આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું કે બે વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 252 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. આ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 11,831 કિલો ગાંજો પણ પકડાયો છે.  વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ  જામનગર જિલ્લામાંથી 2,26,19,415 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે

 વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર્યું કે જામનગર જિલ્લામાંથી 2,26,19,415 રૂપિયાનો અને દ્વારકામાંથી 3,46,43,910નો વિદેશી દારૂ પકડાયો છે. તો જામનગર જિલ્લામાંથી રૂપિયા 1072240ની કિંમતનો 53612 લીટર અને દ્વારકામાંથી 593730ની કિંમતનો 29693 લીટર દેશી દારૂ પકડાયો છે, આ સિવાય જામનગરમાંથી 6.18 કિલો અને દ્વારકામાંથી 3,507 કિલો ગાંજો ઝડપાયો છે.

સૌથી વધુ દેશી દારૂનો જથ્થો રાજકોટમાંથી અને સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી પકડાયો  છે  આ સિવાય બે વર્ષમાં રાજ્યમાંથી 252 કરોડ 32 લાખ અને 714 રૂપિયાનો દારૂ ઝડપાયો છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 11,831 કિલો ગાંજો પકડાયો છે. સુરત શહેરમાંથી 3534 કિલો ગાંજો કબજે કરાયો છે. પાટણથી 2462 કિલો તો આણંદથી 2225 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો છે. બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 69.607 કિલોગ્રામ ચરસ તેમજ 3236 કિલોગ્રામ અફીણ પણ પકડાયું છે

(7:52 pm IST)