Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાવરકુંડલા પંથકમાં પાછોતરા વરસાદથી કપાસના પાકને વ્‍યાપક નુકશાન : ખેડૂતો બેહાલ

સાવરકુંડલા, તા. ૯ : ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ સૌરાષ્‍ટ્રભરમાં સતત વરસાદ વરસતા વાડી-ખેતરોમાં તૈયાર થવા આવેલ પાકોમાં જીવાત પડવી-પાક પલળી જવો જેવા કુદરતી પરિબળોથી વ્‍યાપક નુકશાન થવા પામ્‍યું છે. સાવરકુંડલા પંથકમાં પણ કપાસના તૈયાર થવા આવેલા પાકમાં જીવાત પડી જવાથી કપાસના ડોડવામાંથી રૂ ને બદલે જીવાત જ નિકળે છે.

વાડી-ખેતરોમાં દેખાવમાં પાંચ-પાંચ ફૂટ જેટલા ઉંચા કપાસના શેડવા લહેરાઇ રહ્યા છે, પરંતુ તેના ડોડવામાં જીવાત પડી જતા કપાસનો ઉતારો નહિવત થઇ ગયો છે.

તાલુકાના મોટા ઝીઝુડા ગામમાં ખેતી ધરાવતા બચુભાઇ કરશનભાઇ રબારીના ખેતરમાં તૈયાર કપાસમાં જીવાત પડી જતા પાકને વ્‍યાપક નુકશાન થયું છે. ખેડૂતના જણાવ્‍યા મુજબ હેકટર દીઠ સરેરાશ જે પાક ઉતારવો જોઇએ તેના કરતા માંડ વીસ ટકા જેટલો જ ઉતારો આવે તેમ છે.

આવી જ પરિસ્‍થિતિથી આજુબાજુના તમામ વાડી-ખેતરોની છે જેમાં ખેડૂતોએ છ-છ માસ સુધી કપાસની ખેતીમાં કરેલી માવજત પાણીમાં ગઇ છે અને ખેતીમાં ખાતર બિયારણ-મજૂરીના રોકાણ માથે પડયા જેવી સ્‍થિતિ સર્જાઇ છે તો  ફારમથી જમીન રાખીને ખેતી કરતા નાના ખેડૂતોને ખેતમજૂરોની પરિસ્‍થિતિનો અતિ કફોડી થઇ છે. કારણ કે તેમને ખેતી માટેના ખાતર-બિયારણ દવા મજૂરી ઉપરાંત ખેતરની ફારમ પણ ભરેલી હોય છે.

(1:51 pm IST)