Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કચ્છના બાંડિયા ગામે બહારના માલધારીઓ અને ગ્રામજનો વચ્ચે ચરિયાણ મુદ્દે અથડામણ- ૧૫ ઘાયલ

ભુજ,તા.૯: કચ્છના અબડાસાના બાંડિયા ગામે બે જૂથો વચ્ચે થયેલ અથડામણના વાયરલ થયેલા સમાચારો વિશે ગ્રામજનોએ સ્પષ્ટતા કરી છે. અથડામણ કોઈ બે જ્ઞાતિ સમૂહ વચ્ચે નહીં પણ ગ્રામજનો તેમ જ બહારના માલધારીઓ વચ્ચે થઈ હતી. ગ્રામજનોએ ગામની જમીનના ચરિયાણ માટે એક સમિતિ બનાવીને નક્કી કર્યું હતું કે, ગામના પશુઓ માટે અહીં ચરિયાણ કરાવવું. બહારના માલધારીઓ માટે અહીં ચરિયાણ કરાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ અંગે અહીં બાંડિયાની સીમમાં પડાવ નાખીને પોતાના પશુઓને ચરાવવા માટે આવતા માલધારીઓને પણ જાણ કરી દેવાઈ હતી. જોકે, તેમ છતાંયે અહીં મુન્દ્રા તાલુકાના કુકડસર ગામના રબારીઓએ પડાવ નાખીને પોતાના પશુઓને ચરિયાણ કરાવવાનું શરૂ કરતાં બાંડિયાની ગ્રામ સમિતિએ તેમને આ અંગે ચેતવણી આપીને ચરિયાણ કરાવવાની ના પાડી અહીંથી ચાલ્યા જવા સમજાવ્યું હતું. પણ, માલધારીઓ નહીં માનતા બે જૂથ વચ્ચે દ્યર્ષણ, બોલાચાલી અને સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં બે જૂથના ૧૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જેઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ દ્યટનાને પગલે નલિયા પીએસઆઇ ગઢવી અને પોલીસ સ્ટાફ બાંડિયા ગામે દોડી ગયા હતા. પોલીસે તુરત જ સુરક્ષાના ચાંપતા પગલાં ભરી પરિસ્થિતિ થાળે પાડી હતી. આ દ્યર્ષણ અંગે નલિયા પોલીસે કુલ ૪૪ લોકો સામે નામજોગ તેમ જ ૧૦૦ જણાના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

(12:05 pm IST)