Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદરના જાલીનોટના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના અકિલ વાઢા પર રાજકોટમાં મિત્રનો હુમલોઃ હત્યાનો પ્રયાસ

પોરબંદર મુદ્દતેથી પરત રાજકોટ આવ્યો ત્યારે રવિવારે રાતે મિત્ર તોૈફિક ઉર્ફ મુરીદે એરપોર્ટ ફાટકે મળવા બોલાવ્યા બાદ બે શખ્સો સાથે મળી છરી-સોડા બોટલના ઘા ઝીંકયાઃ ૨૦ હજારની ઉઘરાણી મામલે ડખ્ખો

રાજકોટ તા. ૯: અમદાવાદ રહેતાં અને પોરબંદરના જાલીનોટના ગુનામાં સંડોવાઇ ચુકેલા મુસ્લિમ યુવાન પર રવિવારે રાતે એરપોર્ટ ફાટક પાસે જ તેના જ મિત્ર મુસ્લિમ શખ્સે રૂ. ૨૦ હજારની ઉઘરાણીના ડખ્ખામાં છરી-સોડા બોટલથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે હોસ્પિટલે પહોંચી ઘાયલ થયેલા અમદાવાદ જુહાપુરા હરિપાસી સોસાયટી-૯૩માં રહેતાં અને ફોરવ્હીલરની દલાલીનું કામ કરતાં અકિલ અનુભાઇ વાઢા (ઉ.૩૨) નામના મુસ્લિમ યુવાનની ફરિયાદ પરથી તોૈફિક ઉર્ફ મુરીદ અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૪, ૩૦૭, ૧૧૪, ૧૩૫ મુજબ છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.

અકિલ વાઢાએ ફરિયાદમાં જણાવ્યું છેકે હું વાહન લે-વેંચની દલાલીનું કામ કરુ છું અને મારે સંતાનમાં બે દિકરીઓ છે. તા.૬/૧૨ના રોજ મારે પોરબંરદ કોર્ટમાં મારી ઉપર જાલીનોટનો કેસ થયો હોઇ તેની મુદ્દત હોવાથી ૫/૧૨ના રોજ અમદાવાદથી મારી સ્વિફટ કાર લઇને રાતે બારેક વાગ્યે નીકળ્યો હતો અને સવારે છએક વાગ્યે પોરબંદર પહોંચ્યો હતો. પોરબંદર કોટમાં મુદ્દતનું કામ પત્યા બાદ ત્યાં ઠક્કર પ્લોટ ગરબી ચોકમાં મારા માતા-પિતા રહેતાં હોઇ ત્યાં રાત રોકાઇ ગયો હતો અને બીજા દિવસે  પણ ત્યાં પોરબંદરમાં જ રોકાયો હતો.

મારી પાસેથી સ્વિફટ ગાડી મેં ઓખાના અફઝલભાઇને વેંચી નાંખી હોઇ તે પોરબંદરથી આ ગાડી લઇ ગયા હતાં. તેની સામે મેં તેની પાસેથી મર્સિડીઝ ગાડી લીધી હતી. એ પછી રવિવારે બપોરે બે વાગ્યે હું એ કાર લઇને પોરંદરથી નીકળી ગયો હતો. કુતીયાણા પહોંચ્યો ત્યાં મર્સિડીઝ કાર બગડી ગઇ હતી. આથી કાર ત્યાં જ રાખી હું ખાનગી બસમાં રાજકોટ આવવા નીકળ્યો હતો અને સાંજે છએક વાગ્યે ગોંડલ ચોકડીએ ઉતરી ત્યાંથી રાજકોટ કામ હોઇ રાતે સાડા દસેક વાગ્યે મારા ફોનમાંથી મિત્ર તોૈફિક ઉર્ફ મુરીદને ફોન કર્યો હતો.

પાંચ છ મહિના પહેલા તોૈફિક ઉર્ફ મુરીદ સાથે ઓળખાણ થઇ હતી. તેની સાથે વાત થતાં તેણે એરપોર્ટ ફાટક પાસે મને આવવાનું કહ્યું હતું. હું તે વખતે કનૈયા ચોકમાં હતો. એ પછી મારો એક મિત્ર ઇનાયત બાબી કે જે નહેરૂનગરમાં રહે છે તેનું એકટીવા લઇ  રાતે અગિયારેક વાગ્યે એરપોર્ટ ફાટક પાસે આવ્યો હતો. આ વખતે તોૈફિક ઉર્ફ મુરીદ અને તેની સાથે બીજા બે અજાણ્યા શખ્સો રિક્ષામાં આવ્યા હતાં. મારા એકટીવા પાસે રિક્ષા ઉભી રહી હતી. તેમાંથી તોૈફિક ઉર્ફ મુરીદ અને બે શખ્સો ઉતર્યા હતાં. તોૈફિકે કંઇ બોલ્યા વગર જ મને ડાબા સાથળે છરીનો ઘા મારી દીધો હતો. બીજો ઘા ડાબા હાથની કલાઇ પર અને ત્રીજો પડખામાં મારી દીધો હતો. એ પછી બીજા બે શખ્સોએ સોડા બાોટલાના ઘા મારી ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો. છરીનો ઘા વધુ લાગી જતાં હતું પડી ગયો હતો અને લોહી નીકળવા માંડ્યા હતાં.

લોકો ભેગા થઇ જતાં તોૈફિક સહિતના ત્રણેય રિક્ષામાં ભાગી ગયા હતાં. કોઇએ ફોન કરતાં પોલીસની ગાડી આવી ગઇ હતી. તેમાં જ મને સરકારી હોસ્પિટલમાં પહોંચાડાયો હતો. તોૈફિક ઉર્ફ મુરીદ સાથે મારે પાંચ મહિના પહેલા પરિચય થયો હતો. પોરબંદરના ઇકબાલબાપુ મારફત આ ઓળખાણ થઇ હતી. મારે પૈસાની જરૂર હોઇ મેં તોૈફિક પાસેથી રૂ. ૨૦ હજાર અગાઉ લીધા હતાં. હાલમાં સગવડ ન હોઇ હું પૈસા પાછા આપી શકયો નહોતો. તે અવાર-નવાર ફોન ઉપર ઉઘરાણી પણ કરતો હતો. ત્યાં રવિવવારે હું રાજકોટમાં હોઉ જેથી તેની સાથે વાત થતાં તેણે એરપોર્ટ ફાટકે મળવા બોલાવી બીજા બે શખ્સો સાથે મળી છરીના ઘા ઝીંકી દઇમારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

પી.આઇ. વી.એસ. વણઝારા, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ, કનુભાઇ સહિતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(11:56 am IST)