Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચલો ચલે ઉંઝા... મા ઉમિયાને બુલાયા હૈ...

ઉંઝામાં તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત રાજકોટમાં નીકળી બાઈક રેલી : ૧ હજારથી વધુ બાઇક સવારોની શિસ્તબદ્ધ રેલી : મા ઉમિયાનો ખેસ ધારણ કરી યુવાનોનો બુલંદ જયઘોષ સમાજના ઘરઘર સુધી પહોચ્યો : ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્વાગત : લાલ સાડીમાં સજજ મહિલાઓ પણ રેલીમાં જોડાયા : ૧૧૮ સાયકલ સવારો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા : રેલીમાં માં ઉમિયાના ભજન-સ્તવન અને ગરબા સતત ગૂંજતા રહ્યાં

રાજકોટ : ચલો બુલાવા આયા હૈ... ચલો ઉંઝા, માં ઉમિયાને બુલાયા હે, ચલો ચલે ઉંઝા ચલે...ના ગગનભેદી નારાઓ સાથે  રાજકોટના રાજમાર્ગો ગૂંજી ઉઠયા હતા. લાલ સાડીમાં સજજ મહિલાઓ, ઝભ્ભામાં સજજ યુવકો, કપાળમાં માં ઉમિયાની પ્રસાદી સ્વરૂપ તીલક, માં ઉમિયાના કાર્યની કટિબદ્ધતાના પ્રતિકરૂપે ગળામાં ખેસ અને દિવ્ય ભવ્ય સુશોભીત માં ઉમીયાના રથ સાથે ૧૦૦૦થી વધુ કડવા પાટીદાર યુવાનો- યુવતીઓની બાઈક રેલી જયારે રાજકોટના રાજમાર્ગો પણ ફરી ત્યારે ભકિત અને શકિતનું અનુપમ દ્રશ્ય જોવા મળ્યું હતું.

તા. ૧૮ થી રર ડિસેમ્બર દરમ્યાન ઉંઝા ખાતે યોજાનારા માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે પહોંચવા રાજકોટમાં વસતા કડવા પાટીદારના પ્રત્યેક ઘર સુધી માં ઉમિયાનું નિમંત્રણ પહોચાડવા એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું હતું.

શ્રી પટેલ સેવા સમાજ, શ્રી પટેલ પ્રગતિ મંડળ અને રાજકોટમાં વિભિન્ન સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલી સમાજની વિવિધ સંસ્થાઓના સક્રિય સહયોગથી યોજાયેલી આ બાઈક રેલીનું સવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન થયુ તે પૂર્વે યોજાયેલી મહાઆરતીમાં સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ ગ્રુપ), સમાજ સંગઠનના પદાધિકારીઓ, કારોબારી સદસ્યો તથા પટેલ સમાજના અનેક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

રેલીના પ્રસ્થાન સમયે પ્રમુખ શ્રી અરવિંદભાઈએ જાતે માં ઉમિયાનો રથ ઉમિયા ચોક સુધી હંકાર્યો હતો તો તેમણે સાયકલ સવારી કરી સો યુવાનો સાથે યાત્રા પણ કરી હતી.

પ્રસ્થાન બાદ અંબીકા ટાઉન શીપ, ઉમિયા ચોક, મવડી ચોકડી, નાના મવા, સૂર્યમુખી હનુમાન મંદિર, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, અમીન માર્ગ, પાવન પાર્ક મંદિર, આત્મીય કોલેજ, પુષ્કરધામ, પંચાયતનગર ચોક, ઈન્દીરા સર્કલ, રવિરત્નપાર્ક ચોક, જનકપુરી થઈ પાટીદાર ચોકના પેન્થર ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું.

કુલ ૧૬.૫ કિલોમીટરની આ યાત્રા પ્રસ્થાનથી શરૂ કરી સમાપન સુધીના છ કલાક દરમ્યાન શિસ્તબદ્ધ રીતે, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે રાજમાર્ગો પર માં ઉમિયાનો નાદ ગુંજાવતી રહી હતી. રેલી રૂટ પર ઠેર ઠેર સમાજના પરિવાર તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા ઉમિયા માતાજીના રથ અને રેલીનું શાનદાર સ્વાગત કરાયું હતું.

ઉમિયા ચોક ખાતે કોંગ્રેસ પક્ષ તરફથી બાઈક રેલીનું શ્રદ્ધાપૂર્ણ સ્વાગત કરાયું હતું. કોગ્રેસના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એજ રીતે ભાજપ દ્વારા રથ અને રેલીનું ભકિતપૂર્ણ સ્વાગત આત્મીય કોલેજ પાસે કરાયું ત્યારે શહેર ભાજપના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીનું ખાસ આકર્ષણ એ હતું કે, બાઈક રેલીમાં ૧૧૮ સાયકલ સવારો પણ જોડાયા હતા. આ સાયકલ સવારો તા. ૧૫મીના સાયકલ યાત્રા રાજકોટથી શરૂ કરી તા. ૧૮મીએ સવારે ઉંઝા પહોચવાના છે.

સમગ્ર રૂટ દરમિયાન માં ઉમિયાના ભજન અને સ્તવનો સતત ગવાતા રહ્યા હતા. સમાજના યુવાનો યોજિત કાર્યક્રમમાં પ્રમુખ સહિતના આગેવાનો બાઈક રેલીમાં છેક સુધી જોડાયેલ રહેતા યુવાનોનો ઉત્સાહ બેવડાયો હતો.

સમગ્ર રૂટમાં સમાજનું શિસ્ત, મા ઉમિયા તરફની ભકિત અને સમાજ સંગઠનની શકિત ઉડીને આંખે વળગી હતી.

પાટીદાર ચોકમાં પેન્થર ગ્રાઉન્ડમાં પેન્થર ગ્રુપ દ્વારા સમાપન કાર્યક્રમની પણ અનુપમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સમાપન સમયે બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને તે પછી મહાઆરતી સાથે બાઈક રેલીનું સમાપન થયું હતું.

શ્રી પટેલ સેવા સમાજના સંગઠન પ્રમુખ મનીષભાઈ ચાંગેલાના નેતૃત્વમાં શહેરના વિવિધ વોર્ડમાં તેયાર થયેલી યુવાનોની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમની સફળતા સંગઠન શકિતને આભારી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે સમાજના વડીલોનું માર્ગદર્શન અને સંગઠીત યુવા શકિત સમાજ ઉત્કર્ષના કામોમાં હરહંમેશ કટિબદ્ધ રહેતા હોય છે આજની રેલીની સફળતા પણ તેને જ આભારી છે.

અરવિંદભાઈ પટેલ માં ઉમિયા ૨થના સારથી બન્યા

શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ ગ્રુપ) આજે મહાઆરતી બાદ બાઈક રેલીનું પ્રસ્થાન થયું ત્યારે માં ઉમિયાના રથના સારથી બન્યા હતા. તેમણે મા ઉમિયાનો રથ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી ઉમિયા ચોક સુધી હંકાર્યો હતો. હરહંમેશ સમાજ કાર્યમાં યુવા શકિતને સામેલ કરવાના આગ્રહી શ્રી અરવિંદભાઈએ પછી બાઈક રેલીમાં સામેલ સાયકલ સવારો સાથે જોડાયા હતા અને શ્રી કોલોની મેઈન રોડ પર જયારે બાઈક રેલી પહોંચી ત્યારે તેમણે જાતે સાયકલ સવારી પણ કરી સૌ રેલીઇસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર રેલી દરમીયાન પ્રમુખ સાથે સમાજના ટૂસ્ટીઓ, કારોબારી સદસ્યો, વિભિન્ન સંસ્થાના પદાધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા. તેમ શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ, શ્રી પટેલ પ્રગતિ મંડળ - રાજકોટના સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ચાંગેલાની યાદી જણાવે છે.

(11:52 am IST)