Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બગસરા તાલુકામાં ૧૪૪ની કલમ : માનવભક્ષી દિપડાને પકડવા કવાયત

૮ શાર્પશુટર, વન વિભાગની ર૦૦ લોકોની ટીમ કામે લાગી : ખેડૂતોમાં ભયનો માહોલ

પ્રથમ તસ્વીરમાં ખેતરો ખુંદતી વન વિભાગ ટીમ, બીજી તસ્વીરમાં સાંજના સમયે સુમસામ ગામ નજરે પડે છે.

બગસરા, તા. ૯ : બગસરા તાલુકામાં માનવભક્ષી દિપડાના આંતકથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ત્રણ દિવસમાં ચાર માનવ ઉપર હુમલા બે લોકોને ફાડી ખાધાની ઘટના બાદ માનવભક્ષી દિપડાને પકડવા મેગા ઓપરેશન શરૂ કરાયું. બગસરા તાલુકામાં ૧૪૪ની કલમ લાગુ કરાઇ. તા. ૮થી તા. ૧પ-૧ર-ર૦૧૯ સુધી સુર્યાસ્ત પહેલા ત્રણ કલાકથી ચાલુ સુર્યો ઉદય થાય ત્યાં સુધી ચાર વ્યકિતને ભેગુ થવાનું નથી. જાહેરનામાનો ભંગ થશે તો તેની સામે પોલીસ ફરીયાદ પણ નોંધાશે.

અમરેલીના કલેકટરે કહ્યું કે વન વિભાગની ટીમો રાત્રે ઓપરેશન શરૂ કરશે અને એ પુરૂ ન થાય ત્યાં સુધી કોઇ રાત્રે દિવસે નિકળ્યું નહીં, વાડીમાં કોઇ ન રોકાય, શૂટ કરવાના આદેશ હોવાથી ગોળીબાર પણ થશ અને તેમાં નિર્દોષ લોકો ભોગ ન બને એ માટે ગામમાં રીક્ષામાં લાઉડ સ્પીકરો દ્વારા આ સુચનાઓ આપવામાં આવી રહી છે. દીપડાના ડરથી મંજૂરોની વતન તરફ હિજરત થઇ રહી છે. બગસરા પંથકમાં દિપડાનો હાહાકાર યથાવત રહેતા હજુ સુધી ફોરસ્ટ વિભાગની ટીમો દિપડાને પકડવા નિષ્ફળ નિવડી છે કે ઠાર મારી શકી નથી મંજૂરો નાછુટકે હિજરત કરવાની ફરજ પડી છે.

પંથકમાં દીપડાઓના વધી રહેલા આતંક મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા ૧૪૪ લગાવી દીધી છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સૂર્યાસ્તના ૩ કલાક પહેલા પ થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઇ શકશે નહીશ્રં. તેમજ ૮ ડિસેમ્બરથી ૧પ ડિસેમ્બર સુધી ધારા ૧૪૪ લાગુ કરવાનો હુકમ કર્યો છે. જો કોઇ ધારા ૧૪૪નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે.

આ સિવાય રાજય વનમંત્રીએ પણ દીપડાને પકડવા માટે વન વિભાગ કામે લાગ્યું હોવાનું જણાવ્યું છે. વનમંત્રીએ જણાવ્યું કે, દીપડાને પકડવા માટે ર૦૦ લોકોની ટીમ કામે લાગી છે. જેમાં ૮ જેટલા શાર્પ શૂટર પણ સામેલ છે. દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ આપ્યા છે. એક જ દીપડો હોવાનું અનુમાન છે. દીપડાઓને ઝડપી લેવા અને મારવા માટે નાઇટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દીપડા પર નજર રાખવામાં આવી રહી છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં ૩૦ જેટલા પાંજરા મુકયા છે.

દિવસને દિવસે વધી રહેલા દીપડાના હુમલા વચ્ચે આજે પણ દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. બગસરા તાલુકાના લુંધીયા ગામમાં દીપડાએઢ ઘરમાં ઘુસી ૪પ વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામના મહિલા પર હુમલો કર્યો હતો. જેને પગલે દયાબહેને બુમાબુમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દીપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આમ છતાં દીપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, બગસરા પંથકમાં ર૪ કલાકમાં દીપડાનો બીજો હુમલો છે.

(11:48 am IST)