Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હવે લુંઘીયા પંથકમાં મહિલાને શિકાર બનાવવા હિંસક હુમલો

બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાનો આંતક : મહિલાને ગળા, આંખ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ, માનવભક્ષી દિપડાને ઠાર મારવા માટેના આદેશો અપાયા

અમદાવાદ, તા.૮ :  અમરેલીના બગસરા સહિતના પંથકોમાં માણસનું લોહી ચાખી ગયેલા માનવભક્ષી દિપડાનો ભયાનક આંતક વધતો જાય છે, આજે સતત ત્રીજા દિવસે માનવભક્ષી દિપડાએ એક મહિલાને શિકાર બનાવવાના પ્રયાસમાં તેની પર જોરદાર હુમલો કર્યો હતો અને મહિલાને ગળા, આંખ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજીબાજુ, માનવભક્ષી દિપડાને ઠાર મારવા અને પાંજરે પૂરવા વનવિભાગ સહિત રકારી તંત્રએ હાથ ધરેલી કવાયતમાં આ માનવભક્ષી દિપડો સીસીટીવીમાં કેદ થયો હતો, જેથી હવે દિપડાને નિશાન બનાવવાની કવાયત તેજ બનાવાઇ છે. અમરેલીના બગસરા સહિતના પંથકોમાં માનવભક્ષી દિપડાના હુમલામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.

            બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં આજે આ દિપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો અને ૪૫ વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર જોરદાર હુમલો કરી શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મૂકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ દિપડાએ દયાબહેનને ગળા, આંખ અને માથાના ભાગે નહોર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. જેથી તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બગસરા પંથકમાં ૨૪ કલાકમાં આ દીપડાનો બીજો હુમલો છે. મહિલા પર હુમલો થતા જ હોસ્પિટલના બિછાને રહેલી મહિલાના ખબર અંતર પૂછવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દોડી આવ્યા હતા. વન વિભાગને હજુ એક પણ દીપડાને ઠાર મારવામાં સફળતા મળી નથી.

(9:46 pm IST)