Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

સુરેન્દ્રનગર : અપુરતા ઘાસચારા અને પાણી વિના ૫૦ પશુઓના મોત, માલધારીઓનો મદદ માટે પોકાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે અહિંના ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી બની છે. તેવામાં કચ્છ જિલ્લાના બલિ ગામના માલધારીઓ તેમની ૭૦૦થી ૮૦૦ જેટલી ભેંસો લઇને હિજરત કરીને ચોટીલા તાલુકાના બામણબોર અને ગારિડાના વિડમા પોતાના ધામા નાખેલા છે.

ત્યાં પણ ધાસચારાની અછત અને પાણીની અછતના કારણે તે હિજરત કરીને ચોટીલા તાલુકામાં આવ્યા છે. અહિં પણ પુરતુ ઘાસ અને પાણી ના મળતા તેમની ૫૦ જેટલી ભેંસો મરણ પામેલ છે.બે મહિનાથી આ લોકો ચોટીલા તાલુકાના ગામડામા ઘાસ માટે અને પાણી માટે જંગલોમાં ભટકે છે. તેમની હાલત એક તરફ કુવોને બીજી તરફ ખાઇ એક પણ બાજુ જઇ ના શકે તેવી હાલત છે.

ઉલ્લેખનીય છે કે, હાલ નવાગામના સરપંચ દ્વારા તેમની ભેંસોના દુધ ડેરીમા જમા કરાવે છે. અને ડેરીમાં ફેટના ભાવ ચાલતા હોય તેના કરતા થોડા વધુ રૂપિયા આપી મદદરૂપ બનવા પ્રયત્નો કરે છે. માલધારીને સરકાર પાસે કોઇ સહાય મળે અથવા તેમના પશુઓને પરત ઘર સુધી પહોંચાડવા વાહનોની સગવડ કરે તેવી આશા રાખી રહ્યાં છે.

(12:51 pm IST)