Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કુંડારીયા, કવાડીયાએ ૧પ૦થી વધુ બેઠકોનો દાવો કર્યોઃ રાઘવજીભાઇ ગડારાને ર૧ હજારની લીડથી જીતવાનો વિશ્વાસ

કોંગ્રેસના બ્રિજેશ મેરજાનો ૧પ હજાર મતે જીતવાનો દાવોઃ મોરબીમાં સવારથી મતદારોની લાઇનો

મોરબી તા.૯ : ગુજરાત વિધાનસભાની ઐતિહાસિક કહી શકાય તેવી રસપ્રદ ચૂંટણીના પગલે મોરબીમાં પણ આ વખતે ચૂંટણી જંગ અતિ રસપ્રદ બની ગયો હતો અને મોરબી-ટંકારા ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી શામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવી રાત-ઉજગરા વેઠી પોતાના હરીફ ઉમેદવારને પરાજીત કરવા કોઇ કસર છોડી નથી અને ટંકારા-મોરબીના ઉમેદવારો પોત-પોતાની જીતના પ્રબળ દાવાઓ કરી રહ્યા છે.

આજે મતદાનના દિવસે સવારથી  પોલીંગ બુથો પર લાંબી કતારો જોવા મળી હતી. લોકો હોંશે હોંશે મતદાન કરતા નજર પડયા હતાં.

આજે સવારે મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મતદાન કર્યુ હતું. તો મંત્રી જયંતિભાઇ કવાડીયા તેમજ ટંકારા-પડધરી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ ગડારાએ સજોડે મતદાન કર્યુ હતું.

આ તકે સાંસદ અને મંત્રીએ ૧પ૦ પ્લસનો વિશ્વાસ વ્યકત કર્યો હતો તો ટંકારાના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ ગડારાએ પોતે ર૧ હજાર મતની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મોરબી કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશભાઇ મેરજાએ પોતાના માદરે વતન ચમનપર ગામે સજોડે મતદાન કરી પોતે ૧૦ થી ૧પ હજાર મતોથી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ત્યારે જોવાનું હે રહેશે કે મોરબીમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન, આ બાબત બહુ રસપ્રદ અને કાંટે કી ટક્કર સમાન બની ગઇ છે.

જયારે ટંકારા સીટ જાળવી રાખવા ભાજપ સફળ થાય છે કે નહીં તે જોવાનું પણ રસપ્રદ રહેશે. તા. ૧૮ ના દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

ઇવીએમ માં ખામીઓ

પોતાના વતન ચમનપરથી બ્રીજેશ મેરજાએ ઘણા ઇવીએમમાં ખામીઓ હોવાની પોતાને ફરીયાદો મળતી હોવાનું જણાવ્યું હતું. (૩-૧૦)

 

(4:44 pm IST)