Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સવારથી જ 'મત'ના ઢગલાઃ મતદારોની કતારો લાગી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહઃ ૫૪ બેઠકો માટે જંગઃ પ્રારંભીક બે કલાકમાં ૧૫ થી ૨૦ ટકા મતદાન થયુ

રાજકોટ તા.૯: આ વખતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. આ વખતે મતદાન ચાલું થાય તે પહેલાથી મતદાન મથકની બહાર લોકોએ લાઈન લગાવી દીધી હતી. જેના લીધે માત્ર ૨ કલાકની અંદર જંગી મતદાન થયું છે. પોણા બે કલાકમાં ૧૦ ટકા મતદાન થયું હતું જે બાદ નવાં આંકડા સામે આવ્યા પ્રમાણે ૨ કલાકની અંદર ૧૫ ટકા મતદાન નોંધાયું છે.

આ વખતે યુવાનો જે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેમનો ચૂંટણી પંચ સહિતના લોકોએ ઉત્સાહ વધારવાના કાર્યો કર્યા છે. આ વખતે ચૂંટણી પહેલાના વિવાદોના કારણે ચર્ચામાં રહી છે. કોણ સત્ત્।ામાં આવશે તે અંગેની અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. જયારે પણ જંગી મતદાન થાય છે ત્યારે સત્ત્।ામાં મોટા પરિવાર્તનો જોવા મળી રહ્યા છે.

એક તરફ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજયમાં ભારે મતદાન થશે. તો બીજી તરફ EVM મશીન ખરાબ થવાના અહેવાલો પણ રાજયના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં ૩૩ જગ્યા પર EVMમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. જયારે જામકંડોળામાં જયેશ રાદડિયા મતદાન કરવા ગયા ત્યારે EVMમાં ખામી સર્જાઈ હતી, અને તેમણે મતદાન માટે થોડો સમય રાહ જોવી પડી હતી.

બારડોલીના બાબેન ગામમાં મતદાન કેન્દ્ર પર ઈવીએમમાં ખામી સર્જાવાના કારણે મતદાન નિયત સમયે શરુ થઈ શકયું નહોતું. આ સાથે CECને રાજય ૧૦ જગ્યાઓ મતદાન મશિનમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદ સમય જતા વધી શકે છે.

વિધાનસભા ચૂંટણી માટે આજે સવારના ૮ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે અને પ્રારંભથી જ ઉત્સાહ પૂર્વક મતદાન કરીને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સવારથી લાંબી લાઇનો લાગી છે.

 આજે શનિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની ૫૪ બેઠકો માટે મતદાન યોજયું છે. આજે સવારનાં ૮ વાગ્યાથી મતદારોની લાઇનો લાગી છે. અને પોતાના મનગમતા પક્ષ અને ઉમેદવારને મત આપીને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

લોકશાહીના મહાનપર્વ ઉજવવા માટે લોકોમાં થનગનાટ છે અને સવારથી જ પોત-પોતાના વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા મતદાર કેન્દ્ર સાથે મત આપવા માટે પહોંચી ગયા હતાં. અને મતદાન કર્યું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા મતદાન કેન્દ્ર ઉપર આજે સાંજનાં ૫ વાગ્યા સુધી મતદારો મતદાન કરશે અને ૧૯મીએ મતગણતરી કરાશે.

ભાજપ, કોંગ્રેસ ઉપરાંત જુદા-જુદા પક્ષો અને અપક્ષોએ આ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને છેલ્લા ઘણા દિવસોથી પોતાના મત વિસ્તારોમાં પ્રચાર કાર્ય વેગવંતુ કરીને જુદી જુદી જગ્યાએ જાહેરસભાઓ સંબોધી હતી.

આજે સવારનાં ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજના ૫ વાગ્યા સુધી મતદારો મતદાન કરશે અને ત્યારબાદ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

આ પ્રથમ તબક્કાની ચુંટણીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજ્યનાં મંત્રીઓ તથા ભાજપના ધુરંધરો જયેશભાઇ રાદડિયા, બાબુભાઇ બોખીરીયા, જશાભાઇ બારડ, ચિમનભાઇ શાપરીયા, હિરાભાઇ સોલંકી, પરસોતમભાઇ સોલંકી, બાવકુભાઇ ઉંઘાડ, મહેન્દ્રભાઇ મશરૂ, પબુભા માણેક, દિલીપભાઇ સંઘાણી, વાસણભાઇ આહિર, છબીલભાઇ પટેલ, નિમાબેન આચાર્ય, રમણભાઇ વોરા, કાંતિભાઇ અમૃતિયા, જીતુભાઇ સોમાણી, ગોવિંદભાઇ પટેલ, ડો.ભરતભાઇ બોઘરા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, હરિભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, આત્મારામ પરમાર, સૌરભ પટેલ સહિતના દિગ્ગજો મદાનમાં છે.

જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઇ મોઠવાડીયા, કુંવરજીભાઇ બાવળીયા, પરેશભાઇ ધાનાણી, ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, મિતલ દોંગા, અર્જુનભાઇ ખાટરીયા, રવિ આંબલીયા, બ્રિજેશ મેરજા, મોહમ્મદ પીરઝાદા, અશોકલાલ, જીવન કુંભાર વાડિયા, જવાહરભાઇ ચાવડા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજા, જે.વી. કાકડીયા, વિરજીભાઇ ઠુંમર, વિક્રમભાઇ માડમ, ભીખાભાઇ જોષી, જયેશ લાડાણી, પુંજાભાઇ વંશ, પ્રતાપભાઇ દુધાત, અમરીશ ડેર, પ્રવિણભાઇ મારૂ સહિતનાં મેદાનમાં છે.

સુરેન્દ્રનગર

વઢવાણ-સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભાની બેઠકો માટેનું મતદાન આજે થઇ રહ્યું છે. જિલ્લામાં ન્યાયી અને મુકત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર સુસજજ છે.

જિલ્લામાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓ, શસ્ત્રો, કાળા નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત રહેલી ૨૪ કલાક તૈનાત રહેશે. અને જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનો પર ચેકીંગ કરશે તેવું જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલે જણાવ્યું છે.

શ્રી બંસલે વધુમાં જણાવ્યું છે કે, જિલ્લામાં ૨૦ ચેક પોસ્ટ/નાકા ઉભા કરવામાં આવ્યા છે. તે પણ ૨૪ કલાક સતત કાર્યરત રહેશે. તેથી વધુને વધુ મતદાન નિર્ભય રીતે કરે તે જોવા મતદારોને ખાસ અપીલ છે.

જિલ્લામાં ઉભા કરાયેલ રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટરો પરથી વિવિધ મતદાન મથકોના પ્રિસાઇડીંગ ઓફીસરને ઈવીએમ મશીન તથા વીવીપેટ મશીન અને અન્ય સાધન સામગ્રી ફાળવવામાં આવી છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો દ્વારા નિયત કરાયેલ રૂટો પર આ સ્ટાફ અને સામગ્રી પહોંચાડવામાં આવી છે. તમામ સ્ટાફ પણ રાત્રી રોકાણ ત્યાં જ કરશે. વિધાનસભાની પાંચ બેઠકોમાં આવેલા મતદાન મથકોએ ૧૭૪ રૂટ નકકી કરવામાં આવ્યા છે. જે દ્વારા કર્મચારીઓને મતદાનની સામગ્રી પહોંચાડી હતી.

જે અન્વયે દસાડા (અ.જા)-૩૫ રૂટ, ૬૧-લીંબડી ખાતે ૩૫ રૂટ, ૬૨-વઢવાણ ખાતે ૨૯ રૂટ, ચોટીલા ખાતે ૩૪ રૂટ અને ૬૪-ધ્રાંગધ્રા ખાતે ૪૧  રૂટ મળી કૂલ ૧૭૪ રૂટો નકકી કરવામાં આવેલ છે

ભાવનગર

ભાવનગરઃ પાલીતાણામાં બુથ નં-૩૦૭માં ઇએમવી  ખોટવાતા મતદારોની ભીડ વધી ગઇ હતી.

ભાવનગર જીલ્લાની પાલીતાણા વિધાનસભાની બેઠક ઉપર આજે સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની ભીડ જોવા મળી હતી.

દરમ્યાન પાલીતાણાના બુથ નં-૩૦૭ના ઇએમવી ખોટવાયુ હતુ. આ પણ થતાં જ ઇએમવીના ટેકનીશન મતદાન મથકે દોડી આવ્યા હતા. ઇએમવી ખોટકાતા મતદારોની ભીડ વધી ગઇ હતી.

મોરબી

ગુજરાતની વિધાનસભા સામાન્ય ચૂંટણી બે તબ્બકામાં છે. જેમાં પ્રથમ તબ્બકાની ૮૯ બેઠકોના મતદાનનો આજ સવારના ૮ કલાકથી શુભારંભ થયો છે. પ્રથમ તબ્બકામાં આ ૮૯ બેઠકો પૈકી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો છે. તેમ જિલ્લા ચૂંટણી કંન્ટ્રોલરૂમ દવારા જણાવ્યું છે.

જસદણ

જસદણ બેઠક માટે જસદણ તાલુકાના ૬૦ અને વિંછીયા તાલુકાના ૪૩ ગામ તેમજ ગોંડલ તાલુકાના બે ગામ મળી કુલ ૧૦૫ ગામોમાં પર બીલ્ડીંગમાં ૨૫૬ મતદાન મથક ઉપર શાંતીપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે. જસદણ બેઠક માટે જસદણ શહેરના ૩૩૬૩૮ મતદારો સહિત કુલ ૨,૨૮,૭૩૩ મતદારો નોંધાયેલા છે. ૧૩૬૨ લોકોનો ચુંટણી સબંધીત સ્ટાફ તથા ૫૧૯ વ્યકિતઓ બંદોબસ્તમાં મુકવામાં આવી છે.

પૂર્વ કોંગી સાંસદ કુવરજીભાઇ બાવળિયા કોંગ્રેસના ઉમેદવાર છે જયારે પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરા ભાજપના ઉમેદવાર છે. કુલ પંદર ઉમેદવારો ચુંટણી જંગમાં છે જસદણ બેઠકના કુલ ૨૪ મતદાન મથકનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે.

સાંજ સુધીમાં જસદણ બેઠક માટે અંદાજે ૭૬ ટકાથી વધારે મતદાન નોંધાવાની શકયતા છે. ગ્રામ્ય વિસ્તારમાં સવારના આઠ કલાકથી જ મતદાન માટે લાઇનો લાગી છે. જસદણ પથકમાં અનેક મતદાન મથકો ઉપર સવારે મતદાન શરૂ થતા પૂર્વે ઇવીએમ શરૂ નહિ થવાની ફરિયાદ ઉઠી હતી. ચુંટણી અધિકારી એ.એચ.ચૌધરીના જણાવ્યા મુજબ જયા ફરિયાદ આવી છે ત્યા ટીમને રવાના કરવામાં આવી છે.

ખંભાળીયા

ખંભાળીયા : તાલુકાના પટોડીયા ગામે ઇ.વી.એમ. મશીન ગોઠવાયું તથા શેઢા ભાડથર તથીયા ગામે પણ ઇ.વી.એમ. ખરાબ થયું.

ખંભાળીયા શહેરમાં એસ.એન.ડી.ટી. સ્કૂલ તથા કન્યા શાળામાં પણ ઇ.વી.એમ. ખરાબ થયા હતાં.

શહેર અને તાલુકામાં પાંચથી વધુ જગ્યાએ શરૂઆતમાં જ ઇ.વી.એમ. ખરાબ થતા તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. આ ઉપરાંત કન્યા શાળા ખાતે ઇવીએમ ખરાબ થતા પહેલી કલાક એક મશીનના કારણે મતદાન ખોરવાયું હતું. આ ઉપરાંત ખંભાળીયા વિધાનસભાના ઉમેદવાર કારૂભાઇ ચાવડા એ મતદાન કર્યું હતું.

 

(11:46 am IST)