Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વીવીપેટને ખોટી ચેલેન્જ કરી તો એક વર્ષની કેદ

વાંધો સાચો નિકળશે તો મશીન બદલાવી ફરી મતદાન કરાશે

ગીર સોમનાથ તા.૯ : વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭માં મતદાન મશીનની સાથે જોડાયેલ વીવીપેટ મશીનને કોઈ મતદાર ખોટી ચેલેન્જ કરે તો તે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વીવીપેટને ખોટી ચેલેન્જમાં પ્રિસાઈડીંગ ઓફિસરની ફરિયાદને આધારે એક વર્ષની કેદની જોગવાઈ છે.

જો વીવીપેટમાં તમે નાખેલો મત તમે જે ઉમેદવારને મત આપ્યો તેના કરતા અન્યને ફાળે ગયાનું સાચુ સાબિત થાય તો મશીન બદલાવી આખુ મતદાન ફરીથી કરાશે. વીવીપેટનો વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવાનો છે અને તેમાં ઈવીએમથી જે ઉમેદવારને તમે મત આપ્યો હશે તેની સ્લીપ નિકળશે જે તમે ૭ સેકન્ડ સુધી જોઈ શકાશો. પછી તે મત સીલપેક ટ્રેમાં જતો રહેશે અને છ મહિના સુધી તેને સ્ટોંગરૂમમાં સાચવી રાખવામાં આવશે.

વીવીપેટને ચેલેન્જ ત્યારે થઈ શકે કે તમે કોઈ ઉમેદવારને મત આપ્યો છે. તેની સ્લીપ બીજા કોઈ નિશાનની વીવીપેટ બતાવે તો તમારે તુરંત પ્રિસાઈડીંગ ઓફિસરને લેખીતમાં નિવેદન આપવાનું રહેશે. આ નિવેદન આપો એટલે અધિકારીઓ પોલીંગ એજન્ટની હાજરીમાં તમને ફરી મત નાખવા દેશે જે મત ગણતરીમાં નહિ લેવામાં આવે. આ ફરીથી નખાયેલા મતમાં પણ જો વીવીપેટની ભૂલ આવી હશે તો તુરંત મતદાન અટકાવી ચૂંટણી અધિકારીને જાણ કરાશે અને મશીન બદલાવીને આખુ મતદાન ફરીથી કરાવાશે. જો મતદારે કરેલી ચેલેન્જ ખોટી હોય તો મતદારની સામે પોલીસ ફરિયાદ થશે અને તેમાં એક વર્ષની કેદ થશે.

(11:45 am IST)