Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

થાનના નવાગામના હુમલા કેસમાં બે શખ્સોને છ માસની સજા

વઢવાણ તા.૯ : થાનના નવાગામમાં રહેતા માલધારી પરિવારના બે શખ્સો માલઢોર ચરાવવા નીકળ્યા હતા ત્યારે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા મારામારી થઇ હતી. આ અંગેનો કેસ થાન કોર્ટમાં આવી જતા કોઇ બંને શખ્સોનો તકસીરવાન ઠેરવી છ માસની સજાનો હુકમ કર્યો છે.

થાનના નવાગામની સીમમાં હરજીભાઇ વાડીમાં ઝુંપડુ બાંધીને રહેતા હતા. તા.૧૦-૪-ર૦૦પના રોજ નવાગામમાં જ રહેતા ભરતભાઇ રેવાભાઇ ભરવાડ અને ગોવિંદભાઇ જીવણભાઇ ભરવાડ પોતાના માલઢોર ચરાવવા નીકળ્યા હતા. જેમાં હરજીભાઇના ખેતરમાં માલઢોર ચરવા જતા રહેતા હરજીભાઇના પત્નિ લીલાબેને આ અંગે ના પાડતા બોલાચાલી થઇ હતી. જેમાં બંને શખ્સોએ લીલાબેન સાથે ગેરવર્તન કરી મારમાર્યો હતો.

આ દરમિયાન હરજીભાઇએ આવી વચ્ચે પડતા ભરતભાઇ અને ગોવિંદભાઇએ હરજીભાઇને લાકડી વડે મારમારતા ઇજા પહોંચી હતી. આ અંગે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તાજેતરમાં કેસ થાન જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો. જેના સરકારી વકીલ ડી.એન.બ્રહ્મભટ્ટની દલીલો ૧૦ મૌખિક પુરાવા અને છ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ કોર્ટના જ્જ જી.એસ.દરજીએ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં ભરતભાઇ રેવાભાઇ ભરવાડ અને ગોવિંદભાઇ જીણાભાઇ ભરવાડને ૬ માસની સજા અને રૂ.૧ હજારનો દંડ ફટકારાયો છે.(૩-૪)

 

(10:04 am IST)