Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં મગફળીનો પાક વધુ પડતા વરસાદમાં નિષ્‍ફળ જતા પાક સળગાવી દીધો

કાલાવડ: જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીનો પાક સળગાવી દીધો છે. વધુ પડતા વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. જેના લીધે ખેડૂતે આ પગલું ભર્યું છે. ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે.

મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો

નોંધનીય છે કે, થોડાં દિવસો પહેલાં કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો હતો કે, જામનગરના કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થઈ રહી છે. તેમનું કહેવું એમ હતું કે, સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે. આ રૂપિયા શેના છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. આ સિવાય સરકારે ખેડૂતોને 25 કિ.ગ્રાની બોરી લાવવાની છૂટ આપી હોવા છતાં નાફેડના કર્મચારીઓ ખેડૂતો પાસેથી તેમની મનમાની ચલાવે છે અને 25 કિ.ગ્રાની બોરીને લેતા નથી.

ટેકાના ભાવથી નીચા ભાવ મળતા ઇડરના ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો

સાબરકાંઠા ઇડર તાલુકાના ખેડૂતોએ મગફળીના ભાવ ટેકાના ભાવથી પણ નીચો ભાવ મળતા ચક્કાજામ કર્યો હતો. તેમણે સાપવાડા ગામ ખાતે ઇડર-હિંમતનગર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. રસ્તો રોકીને તેઓએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે, સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી નીચા ભાવે કોઈ કેવી રીતે વેચાણ કરી શકે. ખેડૂતો દ્વારા રસ્તો અટકાવવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસ ખેડૂતો સાથે સમજાવટ કરી રહી હતી.

(5:09 pm IST)