Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કંકુમા

મારા કોલેજના અભ્યાસકાળ દરમિયાન બનેલી આ ઘટના છે. વાર્ષિક પરીક્ષાઓ પૂરી કરીને હું ઘેર આવ્યો છું. ઉનાળુ વેકેશન છે. મને વાંચનનો ખૂબ શોખ છે. અમારા નાના ગામમાં પુસ્તકાલય નથી. બાજુમાં એક મોટું ગામ છે. ત્યાં ગ્રામપંચાયતનું એક નાનું પુસ્તકાલય છે. આ લાંબી રજાઓ દરમિયાન હું અઠવાડિયામાં એકાદવાર જઇને પુસ્તકોની આપલે કરી લઉં છું. નિયમ પ્રમાણે તો બહારગામના વાચકને પુસ્તક ન આપી શકાય, પરંતુ ગ્રામ પંચાયતના મંત્રી મારા વાંચન શોખને જાણે છે અને મને પુસ્તકો આપે છે.

આ ક્રમ પ્રમાણે એકવાર સવારે લગભગ આઠ વાગ્યે પુસ્તકોની આપલે માટે હું નીકળ્યો. બંને ગામ વચ્ચે ૩ કિ.મી.નું અંતર છે. હું ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યો. કચેરી બંધ હતી. હું ગ્રામ પંચાયતના મંત્રીને ઘેર ગયો. મંત્રીના પત્નીએ ઉત્તર આપ્યો- 'એ તો વાડીએ ગયા છે.'

હું વાડીએ ગયો. મંત્રી સાહેબે મને વાડીએ બેસાડી રાખ્યો. આવતા મોડું થયું. વાડીએથી મંત્રી સાહેબ ઘેર ગયા ત્યાં વળી વધુ મોડું થયું અને આખરે કચેરી બાર વાગ્યે ખુલ્લી. પુસ્તકોની આપલેનું કામ તો ઝડપથી પુરૃં થયું, પણ મારે પાછા વળતા ઘણું મોડું થયું. હું લગભગ સાડાબાર વાગ્યે મારે ગામ અને મારે ઘેર આવવા નીકળ્યો.

કારમો ઉનાળો છે અને ધોમધખતો તાપ છે. મારા પગમાં ચંપલ પહેરેલા છે. ખભે પુસ્તકનો નાનો થેલો છે અને માથું ખુલ્લું છે. તડકો તો બહુ આકરો છે, પણ ચાલ્યા વિના છૂટકો નથી. હું સડસડાટ ચાલી રહ્યો છું. આજે ઘેર પહોંચતા મોડું થયું છે અને મારી મા ચિંતા કરતી હશે. તેની ચિંતા પણ મનમાં ખરી. હું લગભગ અડધે રસ્તો પહોંચ્યો અને મારા ચંપલની પટી તૂટી ગઇ. ભારે થઇ ! આવા ધોમધખતા તડકામાં મારે ખુલ્લે પગે ચાલવાનો વારો આવ્યો. કોઇક રીતે પટીને ગોઠવવાનો મેં પ્રયત્ન કરી જોયો, પણ તે શકય ન બન્યું. આખરે મેં ચંપલ હાથમાં લઇને ચાલવનું શરૂ કર્યું. ધરતી એટલી ગરમ છે કે પગે ફોડલાં પડે તો નવાઇ નહિ. પણ બીજો ઉપાય શું ? હું વીશેક ડગલાં આ રીતે ઉઘાડે પગે ચાલ્યો હોઇશ અને મેં અવાજ સાંભળ્યો- 'બેટા ! મને આ સૂંડલો ચડાવીશ ?'

મેં અવાજની દિશામાં જોયું. રસ્તાની બાજુના ખેતરમાં પાળાની પાછળ એક ડોશીમાં ઉભા છે અને બાજુમાં તેમનો અડાયાથી ભરેલો સૂંડલો છે. હું તેમની પાસે ગયો. અરે, ઓળખ્યા. આ તો કંકુમા.

મને ઉઘાડે પગે ચાલતો જોઇને કંકુમા ત્વરાથી બોલી ઊઠયા, 'પણ તું આવા તડકામાં ઉઘાડે પગે કેમ ચાલે છે ?'

'મારા ચંપલની પટી તૂટી ગઇ છે.' મેં કહ્યું કંકુમાએ પોતાના પગમાંથી ચંપલ કાઢીને મારી સામે મૂકતા કહ્યું, 'લે, આ મારા ચંપલ પહેરી લે.'

'પણ પછી તમે શું કરશો ?'

'હું ઉઘાડે પગે ચાલીશ.'

'ના ના, તમે ઉઘાડે પગે શા માટે ચાલો ?'

'અરે, આવા તડકામાં તારા પગ સસડી જશે.'

'પણ આવા તડકામાં તમારા પગ નહિ બળે ?'

'મારા પગ ભલે બળે પણ તારા પગ બળે તે મારાથી નહિ જોવાય.'

કંકુમા ગળાગળા થઇ ગયા. થોડીવાર મારી સામે જોઇ રહ્યા. પછી નીચા વળીને તેમણે પોતાના હાથથી જ ચંપલ મારા પગમાં પહેરાવી દીધા.

મને લાગ્યું કે હવે જો હું ઇન્કાર કરીશ તો આ ડોશીમા રડી જ પડશે. મેં ચંપલ સ્વીકારી લીધા.

થોડીવાર મારી સામે જોઇને કંકુમા વળી બોલ્યા, 'કેવો તડકો છે અને તમે ભણેલા છોકરાઓ માથે કાંઇ બાંધો પણ નહિ.'

કંકુમા પાસે જુના ટુવાલનો એક ટૂકડો છે અને પાણીની એક ભંભલી છે. ભંભલીમાંથી પાણી રેડીને તેમણે તે ટૂકડાને થોડો ભીનો કર્યો અને ટૂકડો મારા માથા પર મૂકી દીધો. મેં તે પણ સ્વીકારી લીધો.

અડાયાનો સૂંડલો મેં કંકુમાને માથે ચડાવ્યો. અમે બંને આગળ ચાલ્યા. ગામ દોઢેક કિ.મી. દૂર છે. કંકુમા ધીમે ધીમે ચાલે છે. તેમની સાથે હું પણ ધીમેધીમે ચાલું છું. અલક મલકની વાતો કરતા કરતા આખરે અમે ગામના પાદરમાં પહોંચ્યા.

ગામના પાદરમાં લીમડાના ઘેઘૂર વૃક્ષો છે. અમે છાંયે ઉભા રહ્યા. મેં કંકુમાના ચંપલ અને તેમના ટુવાલનો ટૂકડો તેમને પરત કર્યો. પગમાં ચંપલ પહેરતા પહેરતા કંકુમાએ મને શીખામણ આપી- 'ઘેર પહોંચીને છાંટ લઇ લેજે અને તારી માને કહીશ મા કે તે મારા ચંપલ પહેર્યા'તા'

કંકુમા હરિજન છે. મેં તુરંત જવાબ આપ્યો- 'હું તો છાંટેય લેવાનો નથી અને હું તો મારી માને કહેવાનો પણ ખરો'

'ભલે બાપા ! જેવી તારી મોજ'

કંકુમા હરિજનવાસ તરફ વળ્યા અને હું મારા ઘર તરફ ચાલ્યો.

મેં ખાદીના કપડા પહેર્યા'તા, મારા ચંપલ ગાંધીપટીના હતા. મારા થેલામાં 'સત્યના પ્રયોગો' (ગાંધીજીની આત્મકથા) મૂકયું છે.

હું ગાંધીજીને વાંચું છું, વિચારૃં છું, પણ આ કંકુમા તો ગાંધીજીને જીવે છે!

આવા કંકુમામાં ભારત જીવે છે. આપણું પુણ્ય પરવાર્યું નથી. કોઇ લૂંટ કરે તો તે ઘટના વર્તમાનપત્રમાં છાપવાને પાત્ર ગણાય છે. આ કંકુમાની મોટાઇને કોઇ વર્તમાન પત્રમાં સ્થાન મળશે ? સાવધાન ! વર્તમાનપત્રો દ્વારા આપણા સમાજનું અધૂરૃં, પાંગળું અને એકાંગી ચિત્ર રજૂ થઇ રહ્યું છે.

અમારૃં સ્પષ્ટ અને નિશ્ચયાત્મક દર્શન છે કે આપણા જીવનમાં દુઃખ કરતા સુખ વધુ છે અને આપણા આ સુંદર જગતમાં અમંગલ કરતા મંગલ અધિક છે, સહસ્ત્રગુણ અધિક છે.

આ સત્ય આપણને કયારે સમજાશે ? ખુલ્લી આંખ હોય તો દેખાય, ખુલ્લા કાન હોય તો સંભળાય અને ખુલ્લુ હૃદય હોય તો અનુભવાય !

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(2:48 pm IST)