Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગોંડલમાં ટ્રાફિક નિયંત્રણ માટે પેટ્રોલીંગ

ગોંડલઃ હાલ કોરોના મહામારી અને દિવાળીના તહેવારને લઈને શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને ટ્રાફીકનો ઉલાળીયો કરતાં વાહન ચાલકોને દંડ ફટકારી ભાન કરાયું હતું. ગોંડલ પોલીસના પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ બી.એલ.ઝાલા, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ, ડી સ્ટાફ સહિતના પોલીસ અધિકારી સાથે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોટી બજાર - ગુંદાળા શેરી, બસ સ્ટેન્ડ રોડ, કડીયા લાઈન, ગુંદાળા રોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લઈને વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. બ્લેક ફિલ્મ વાળી કારની બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી. લાઇસન્સ વગરના અને નંબર પ્લેટ વગરના બાઈક અને કાર ચાલકોને હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો. તહેવારોનાં સમયે બેકાબુ ટ્રાફીક સમસ્યા સામે પોલીસે શરુઆતથી જ આક્રમક રવૈયો અપનાવતાં ટ્રાફીક સમસ્યા થી હેરાન પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તસ્વીરમાં પોલીસ અધિકારી ફુટ પેટ્રોલીંગ કરતા દર્શાય છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:34 am IST)