Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબીના એલઆરડી જવાન અનિલભાઇ ડાભીનો વતન સાપકડામાં લમણે ગોળી ધરબી આપઘાત

બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: બે દિવસથી પત્નિ પિયરે ગયા છેઃ પરિવારજનો અને પોલીસબેડામાં શોક

રાજકોટ તા. ૯: મોરબી પોલીસં હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં એલઆરડી જવાને પોતાના ગામ હળવદના સાપકડામાં રાતે લમણે સર્વિસ રિવોલ્વરથી ગોળી ધરબી દઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તાજેતરમાં મોરબીમાં પટા ચુંટણી યોજાઇ હોઇ તે કારણે આ જવાનને ઓબ્ઝર્વરના કમાન્ડો તરીકે ફરજ સોંપાઇ હોઇ જેથી તેને સર્વિસ રિવોલ્વર આપવામાં આવી હતી. તેનાથી જ તેણે આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું છે

જાણવા મળ્યા મુજબ હળવદના સાપકડા ગામે રહેતાં અને મોરબી હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં એલઆરડી જવાન અનિલભાઇ દાનાભાઇ ડાભી (ઉ.વ.૨૮)એ રાત્રીના અગિયારેક વાગ્યે પોતાના ઘરે હતાં ત્યારે રિવોલ્વરથી લમણામાં ગોળી ધરબી દેતાં ભડાકો થતાં બાજુના રૂમમાંથી માતા મણીબેન અને પિતા દાનાભાઇ કરસનભાઇ ડાભી સહિતના દોડી આવ્યા હતાં.

અનિલભાઇએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ભડાકો કરી લીધો હોઇ ગંભીર ઇજા થતાં હળવદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે અનિલભાઇના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

બનાવની જાણ થતાં હળવદ પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતાં. આત્મહત્યા કરનારા અનિલભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં. બે વર્ષ પહેલા તેમના લગ્ન લખતરના ઘણાડ ગામના અંજલીબેન સાથે થયા હતાં. હાલમાં બે ત્રણ દિવસથી પત્નિ માવતરે રોકાવા માટે ગયા હતાં.

વધુ માહિતી મુજબ  અનિલભાઇ ચાર વર્ષ પહેલા એલઆરડીનીનોકરીમાં જોડાયા હતાં. તાજેતરમાં ચૂંટણી યોજાઇ હોઇ તે કારણે તેમને ફરજ માટે હથીયાર અપાયું હતું. તેમણે ઓબ્ઝર્વરના કમાન્ડો તરીકે મુકવામાં આવ્યા હતાં. આ કારણે અપાયેલા હથીયારનો તેણે આત્મહત્યા માટે કર્યો હોવાનું તેમના ભાઇએ જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે પરિવારજનો અને સાથી પોલીસ કર્મચારીઓ, અધિકારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

ભડાકો સાંભળી માતા-પિતા બાજુના રૂમમાંથી દોડી આવ્યાઃ હળવદ હોસ્પિટલમાં ખસેડ્યા પણ...

. રાતે અનિલભાઇ પોતાના રૂમમાં એકલા હતાં. માતા-પિતા બાજુના રૂમમાં હતાં. અગિયારેક વાગ્યે અચાનક ભડાકો થતાં માતા-પિતા રૂમમાં દોડી આવતાં દિકરાએ પોતાના લમણે રિવોલ્વરથી ફાયરીંગ કર્યાનું જણાતાં બંને હતપ્રભ થઇ ગયા હતાં.

ગોળી લમણામાંથી આરપાર નીકળી ગઇઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

. અનિલભાઇએ જમણી બાજુ લમણા પર ભડાકો કરતાં ગોળી ડાબી બાજુના લમણામાંથી નીકળી ગયાની શકયતા છે. જમણી બાજુ ફાયરીંગને કારણે મોટો ખાડો પડી ગયો હતો. ડાબી બાજુ ગોળી નીકળી ગઇ હોય તેવો નાનો હોલ જોવા મળ્યો હતો. મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાવામાં આવ્યો છે.

કારણ અકળઃ હળવદ પોલીસની તપાસ

. એલઆરડી જવાને આત્મહત્યા શા માટે કરી તે બહાર આવ્યું નથી. પરિવારજનોએ પણ અનિલભાઇને કોઇ તકલીફ નહિ હોવાનું કહ્યું હતું. ત્યારે અચાનક તેના આ પગલાથી અરેરાટી વ્યાપી ગઇ છે. હળવદ પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(11:00 am IST)