Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુરૂવારે અમિતભાઈ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ પણ કચ્છમાં : રણમાં સરહદ વિસ્તાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ૧૫૦૦ સરપંચો સાથે વાર્તાલાપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૯:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બુધવાર અને ગુરૂવાર એમ બે દિ' કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. અમિતભાઈ બુધવારે સાંજે ભુજ એરપોર્ટ ઉપર ખાસ વિમાનમાં આવી પહોંચશે.

 જોકે, અમિતભાઈ રાત્રિ રોકાણ કયાં કરશે એ વિશે કોઈ વિગતવાર માહીતિ આવી નથી. પણ, કચ્છમાં વહીવટીતંત્રએ ભુજ અને ધોરડો એમ બંને જગ્યાએ રાત્રિ રોકાણ માટેની તૈયારી કરી લીધી છે.

ગુરૂવારે પ્રવાસન ક્ષેત્રે વિખ્યાત બનેલા કચ્છના ધોરડો મધ્યે રણ વચ્ચાળે સરહદ વિસ્તાર વિકાસ અંગેનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ પણ હાજર રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

અમિતભાઈની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના ત્રણ સરહદી જિલ્લા પાટણ, બનાસકાંઠા અને કચ્છના ૧૫૦૦ જેટલા સરપંચો ઉપસ્થિત રહી સરહદી વિસ્તાર અંગે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ માટે અત્યારે ધોરડો મધ્યે વિશાળ ડોમ ઉભો કરાઈ રહ્યો છે.

(11:42 am IST)