Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જામનગર જીલ્લા ભુકંપના એપી સેન્ટર લાલપુરમાં વધુ ત્રણ આંચકા

છેલ્લા અઠવાડીયામાં અનેક આંચકા ગઇકાલે પણ ૩ નો આંચકો

જામનગર શહેર જીલ્લામાં બદલાયેલા એપી સેન્ટર સાથે ભુકંપના વધુ ૩ આંચકા તા.૭ અને ૮ દરમ્યાન નોંધાયા છે.

છેલ્લા થોડા દિવસોથી જામનગર જીલ્લામાં શહેરથી દક્ષિણ-પુર્વમાં રપ થી ર૭ કી.મી. દુર એપી સેન્ટર દર્શાવતા અઢીથી ૩.૭ રીકટર સ્કેલના સંખ્યાબંધ આંચકાઓ નોંધાવા પામ્યા છે. છેલ્લે આવેલા ૩.૭ ના આંચકાનો અનુભવ જામનગર શહરેમાં ઉંચી ઇમારતોમાં રહેતા લોકો તેમજ જામનગર તાલુકાના નાની માટલી, ધુળશીયા જેવા કાલાવડ તરફના ૯ જેટલા ગામોએ અનુભવ્યો હતો. જે બાદ હવે છેલ્લા બે દિવસમાં આવેલા આંચકાનું એપી સેન્ટર કાલાવડ તરફથી બદલીને લાલપુર તરફનું નોંધાયું છે. લાલપુરથી પુર્વ ઉતર પુર્વમાં ર૬ થી ર૯ કી.મી.નું દુર એપી સેન્ટર ધરાવતા ૩ આંચકા સીસ્મોલોજી વિભાગના યંત્રોએ નોંધ્યા છે. જેમાં તા.૭ ની સાંજે ૪.રર વાગ્યે ર.રનો , ૪.રપએ ફરી ર.૩નો અને તા.૮ ની સવારે ૧૧.૪૯ વાગ્યે ૩ રીકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો. આમ આ ચોમાસા પછી જીલ્લાના ભુતળમાં ગરબડ સર્જાતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલા ભારે વરસાદ વાળા ચોમાસા પછી લાલપુર તાલુકામાં સસોઇ ડેમ આસપાસના ૧૦ ગામોમાં ભુતળની ગરબડ બાદ ગેબી ધડાકા સાથે ભુકંપના આંચકાઓ નોંધાતા રાજયના સીસ્મોલોજી વિભાગ દ્વારા કાયમી ધોરણે લાલપુર પંથકમાં ચોક્કસ લોકેશન પર સીસ્મોગ્રાફ યંત્રો ગોઠવવા કાર્યવાહી કરી હતી.

(1:19 pm IST)