Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વિંછીયા પાસે ૪.૩૬ લાખનો દારૂ પકડાયો

છાસીયા ગામની સીમમાંથી ૧૯૯ર બોટલ દારૂનો જથ્થો તથા સ્વીફટ કાર મળી : કુલ ૭.૩૬ લાખનો મુદામાલ કબ્જેઃ પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફનો દરોડો : આણંદપુરના તોસીફ ઉર્ફે છોટુ ઘાંચી તથા છાસીયાના સુરેશ કોળીની ધરપકડઃ બે શખ્સો નાસી છુટયા

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે  પકડાયેલ બંન્ને શખ્સો (નીચે બેઠેલા) તથા વિંછીયા પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા., ૯: વિંછીયાના છાસીયા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર ઝડપી લીધા બાદ પોલીસે બે વાડીમાંથી ૪.૩૬ લાખનો દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે વિંછીયાના છાસીયા ગામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફટ કાર જીજે૩ એફડી ૮૬૧૪ને રોકી તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા તોસીફની પુછતાછ કરાતા તેણે  છાસીયાના સુરેશ ભરતભાઇ જોગરાજીયા (કોળી)ની વાડીમાં તથા મહેશભાઇ વજુભાઇ ભલાળા (રહે. છાસીયા)ની વાડીમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની અને ત્યાંથી આ દારૂનો જથ્થો લાવ્યાની કબુલાત આપતા પીએસઆઇ પરમાર તથા સ્ટાફે છાસીયા ગામની ઉકત બંન્ને વાડીમાં રેઇડ કરી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ બોટલ નંગ ૧૯૯ર કિંમત ૪.૩૬ લાખ તથા સ્વીફટ કાર મળી કુલ ૭.૩૬ લાખનો મુદામાલ કબ્જે કયોૃ હતો.

આ રેઇડ દરમ્યાન વિંછીયા પોલીસે તોસીફ ઉર્ફે છોટુ, ઇકબાલ વડીયા (ઘાંચી) (રહે. આણંદપુર, તા. ચોટીલા) તથા સુરેશ ભરતભાઇ કોળી (રહે. છાસીયા)ની ધરપકડ કરી હતી. જયારે વાડી માલીક મહેશ વજુભાઇ ભલાળા નાસી છુટયો હોય તેમજ આ બંન્ને વાડીમાં દારૂનો જથ્થો ઉતારનાર સુરેશ ઉર્ફે સેંડો જોગરાજીયા (રહે. છાસીયા)ની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં વિંછીયાના પીએસઆઇ પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ કરણભાઇ શેખ, પોલીસ કોન્સ્ટેબલ નિલેશ જાપડીયા, પો.કો. વિજય રંગપરા, પો.કો. મહેશ કોબીયા તથા પો.કો. જયદેવ ગઢવી રોકાયા હતા.

(11:53 am IST)