Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

દિવાળીના દિવસે મોરબીમાં આગ લાગવાના ૧૫ બનાવ : ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું

મોરબી : મોરબીમાં દિવાળીના દિવસે રાત્રીના ફટાકડા ફૂટવાને કારણે નાનીમોટી આગ લાગવાના કુલ ૧૫ બનાવો બન્યા હોવાનું ફાયર બ્રિગેડે જાહેર કર્યું છે. જેમાં દિવાળીની રાત્રે આંદરણા ગામ તેમજ આમરણ બેલા તથા શનાળા નજીક એક કારખાનામાં આગ અને સામા કાંઠે મંડપ સર્વિસ ગોડાઉનમાં તેમજ બાયપાસ નજીક ભંગારના ડેલામાં ભીષણ આગના બનાવ બન્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના દિવસે ફટાકડા ફૂટવાને કારણે મોરબીમાં જુદાજુદા ૧૫ સ્થળોએ આગ લાગવાના બનાવ બનતા ફાયર બ્રિગેડને સતત દોડધામ કરવી પડી હતી. ફાયર વિભાગે ટાંચા સાધનોની મદદથી ફાયરના જવાનોએ પોતાની કુશળતાથી તમામ જગ્યાએ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગના જણાવ્યા મુજબ કુલ 15 જેટલી જગ્યાએ દિવાળીની રાત્રીના આગના બનાવો અંગે ફોન આવ્યા હતા. જેમાં આંદરણા ગામ તેમજ આમરણ બેલા તથા શનાળા નજીક એક કારખાનામાં આગ અને સામા કાંઠે મંડપ સર્વિસ ગોડાઉનમાં તેમજ બાયપાસ નજીક ભંગારના ડેલામાં ભીષણ આગના બનાવ બન્યા હતા. જયારે બાકીની જગ્યાએ સામાન્ય આગ લાગી હતી.

બીજી તરફ ગઈકાલે વહેલી સવારે મુનનગરમાં રાજપ્લાસ્ટિક નામના કારખાનામાં ફટાકડાના કારણે આગ લાગતા એક ટાટા ૪૦૭ સળગી ગયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.

(6:26 pm IST)