Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોટી હમીરપરની ત્રિપુટીએ અંજાર-ગાંધીધામમાં ઉત્પાત મચાવ્યો

અંજાર-ગાંધીધામમાં બે અલગ અલગ સ્થળે મારામારી કરી: અંજાર બાદ ગાંધીધામમાં ટાયર શોપના મેનેજરને માર્યો :કર્મચારીને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી

રાપર તાલુકાના મોટી હમીરપર ગામની ત્રિપુટીએ ગઈકાલે સાંજે અંજાર-ગાંધીધામમાં બે અલગ અલગ સ્થળે મારામારી કરી હતી. સાંજે પાંચ વાગ્યાના અરસામાં હરદેવસિંહ ભગુભા વાઘેલા નામના શખ્સે અંજારની પોસ્ટ ઑફિસ નજીક ચાની કેબિન પાસે ચા પી રહેલાં ભુપેન્દ્રસિંહ ટપુભા જાડેજા (રહે. વિજયનગર, અંજાર) સાથે નાણાંની ઉઘરાણી મુદ્દે મારામારી કરી હતી. ફરિયાદી અશ્વિનસિંહ નામના શખ્સ સાથે નાણાંની લેતી-દેતીનો વ્યવહાર છે. સ્વિફ્ટ કારથી આવેલાં હરદેવે ભુપેન્દ્રસિંહને ‘તું અશ્વિનસિંહના પૈસા પાછા કેમ આપતો નથી? તે પૈસા તારે મને આપવાના છે’ તેમ કહી ઝઘડો કરી પટ્ટાથી માર માર્યો હતો. હરદેવ સાથે રહેલાં અન્ય બે અજાણ્યા સાગરીતોએ પણ ભુપેન્દ્રસિંહને મુઢ માર માર્યો હતો.

અંજારમાં મારામારી કર્યાં બાદ આ ત્રિપુટીએ ગાંધીધામમાં જૂના ટાયરની ખરીદી સમયે ભાવતાલ મુદ્દે ઉશ્કેરાઈને ટાયર શોપના કર્મચારીને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. શહેરના સેક્ટર આઠ ખાતે આવેલી રીષભ ટાયર નામની દુકાને ગઈકાલે સાંજે ડખો થયો હતો. હરદેવસિંહ જૂનું ટાયર ખરીદવા આવેલો. શોપ મેનેજર રાજેશ ખોડાભાઈ સોનારાએ એક જૂના ટાયરનો ભાવ ૧૫૦૦ રૂપિયા જણાવ્યો હતો. આરોપીએ તેને ૧૧૦૦ રૂપિયા હાથમાં પકડાવતાં રાજેશે ઓછાં નાણાં લેવાનો ઈન્કાર કરી અગાઉના રૂપિયા પણ બાકી હોવાનું આરોપીને જણાવ્યું હતું. જેમાં ઉશ્કેરાઈને હરદેવસિંહ અને તેની સાથે રહેલાં પ્રવિણ તેમજ એક અજ્ઞાત યુવકે તેને મુઢ માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:46 pm IST)