Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પોરબંદરમાં મહિલાઓ તથા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે પોલીસ અધિક્ષક દ્વારા સી-ટીમ

પોરબંદર, તા. ૯ :. પોલીસ અધિક્ષકશ્રી રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા હાલમાં ચાલુ પવિત્ર નવરાત્રી તહેવાર સબબ મહિલાઓ માતાજીના ગરબા રાસ ઉજવતા હોય અને મોડી રાત્રીના ઘરે પરત ફરતા હોય, મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈ પોરબંદર જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા 'સી-ટીમ'ની રચના કરવામાં આવેલ છે.

આ સી-ટીમ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવાર દરમ્યાન મહિલાઓની સુરક્ષા તથા સીનીયર સીટીઝનોની સલામતી માટે પેટ્રોલીંગ કરી મહિલાઓ તથા સીનીયર સીટીઝનોને મદદરૂપ થશે તથા દરેક સ્કૂલ/કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરશે. તેમજ પોલીસ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભર્યુ વાતાવરણ રહે તે દિશામાં કામ કરશે. મહિલાઓને તાત્કાલીક જરૂર પડયે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની સી-ટીમનો સંપર્ક અથવા મહિલા હેલ્પલાઈન નં. ૧૮૧ તથા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(12:11 pm IST)