Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વિશ્વ પોષ્ટલ દિવસ

તે જમાનામાં પ્રભાસમાં પોષ્ટમેન-પોષ્ટ માસ્તરને ગામ આખું યે ઓળખતું નામ-ઠામ અને આવે ત્યાં હરખ-હરખ થતો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ૯ :..  સમગ્ર વિશ્વ ૯ ઓકટોબરના રોજ વિશ્વ ટપાલ દિવસથી ઉજવણી કરે છે. આ અંગે કહેવાય છે કે ઓકટોબર ૧૮૭૪ માં યુનિર્વસલ પોષ્ટલ સ્થાપના સ્વીસની રાજધાની ર્બનમાં થઇ જેને ધ્યાનમાં રાખી  ૧૯૬૯ માં જાપાનના ટોકીયો શહેરમાં આ દિવસને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવા જાહેરાત થઇ. આ ઉજવણી હેતુ લોકોના વેપાર, વાણીજય અને દરરોજના જીવન વ્યવહારમાં દેશમાં ટપાલના મહત્વની જાગૃતિ - પ્રદાન અંગે જાણકારીની હતો.

સોમનાથ-પ્રભાસમાં ટપાલીને ગામના બચ્ચાથી માંડી બોખા દાંત અને ઉંમરને કારણે ઝાંખી આંખોએ ખાટલે પડેલા લોકો ઓળખતાં તે દિવસે દબદબો એવો હતો કે કોઇને ત્યાં શુભ પ્રસંગ - જમણવાર હોય એટલે પોષ્ટમેન અને સ્ટાફને આમંત્રણ હોય જ.સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે કે, 'પોષ્ટમેન ટપાલ વિતરણ કરવા ગામમાં સાયકલ ઉપર આવતા અને ઘર દરવાજે સાયકલની ઘંટડી વાગે એટલે નાના-મોટા સૌ ટપાલ લેવા દરવાજે દોડી જતાં.

ટપાલી અંગ્રેજીમાં આવેલા તારનો સાર પહેલેથી સાહેબને પુછી રાખતા જેથી જે ઘેર ડીલીવરી કરવા જાય ત્યાં મો મીઠું કરાવીનો હરખ કરતા અને દુઃખદ પ્રસંગ હોય તો પરિવાર સાથે તેનો ચહેરો પણ પડી જતો.

પોષ્ટ કાર્ડનો યે દબદબો હતો જે હવે માત્ર ઇતિહાસ જેવુ બની ગયું છે. ગામને ચોકે - ચોકે લાલ કલરની ટપાલ પેટીઓ મુકાતી અને જયારે ટપાલ કાઢે ત્યારે લોકો છેલ્લી ઘડીએ આવનારા પોતાની ટપાલ લેવા આજીજી કરતા.

નિશાળ પરિણામ - વેવિશાળનો સ્વીકાર - વેવિશાળ થયેલ વાગ્દતાના 'અંગત' લખેલા કવરપત્રો અને પ્રેમ યુગલો ખાસ પોષ્ટઓફીસે જઇ પોતાનું કવર પોતાને જ મળે તે માટે જતા.

ટપાલ ઓફીસમાં રેડીયોનું લાયસન્સ પણ ભરવા જતુ પડતું તાર-ટપાલ વિભાગ એક જ હતો જેથી ર્મોસ નામના ટીક-ટીક... ટીકાત આંગળીના ટેરવે કોડભાષામાં તારની સુવિધા હતી અને તે સમયના પોષ્ટ માસ્તરો અડધી રાત્રે પણ તાર કરી આપતા કે તાર આવે તો ઘરે પણ દઇ જતા. અભિનંદન-લગ્નના તારો રંગીન કવરોમાં અપાતાં.

સોમનાથની વર્તમાન પોષ્ટ ઓફીસેથી ભગવાન સોમનાથને અભિષેક કરવા ગંગાજળ અભિષેક બોટલ વિતરણ કરાય છે. તેમજ દેશની કોઇપણ પોષ્ટ ઓફીસમાં રૂપિયા રપ૧ભરવાથી સોમનાથ મંદિરની લાડુ પ્રસાદી આ પોષ્ટ ઓફીસેથી રવાના કરાય છે.

દર માસે અંદાજે ૧૦૦૦ થી ૧પ૦૦ અને પવિત્ર શ્રાવણ માસમાં ૩પ૦૦ થી ૪૦૦૦ જેટલાં સોમનાથ ટ્રસ્ટ અને પૂજાવિધી કરનાર કર્મકાંડી લોકો દ્વારા સોમનાથની પ્રસાદી સ્વરૂપ ભસ્મ, બિલ્વપત્ર, ફુલ અને આર્શિવાદપત્ર મોકલાતા રહે છે.

ઉપરાંત ભાવિક-યાંત્રિક કે પ્રવાસી ઇચ્છે તો તેને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ કેન્સલેશન કવર ઉપર છાપ પાડી દેવાય છે.

ગામમાં હવે કોઇ ટપાલ પેટીઓ નથી નૂતનવરસે હવે વોટસએપ-સોશ્યલ મીડીયાથી શુભેચ્છાઓ પાઠવાય છે. 

(12:10 pm IST)