Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબીના શૈક્ષણિક સંકુલો, મોટા વ્‍યવસાયક કોમ્‍પલેક્ષ વિસ્‍તારમાં ગંદકી અને ટ્રાફિકજામની સમસ્‍યાથી લોકો ત્રાહિમામ !!

છાત્રાલય રોડ અને સુપર માર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્‍બર પાસે આડેધડ વાહન પાર્કિંગથી ચાલવું પણ મુશ્‍કેલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૯: મોરબીના શૈક્ષણિક સંકુલ વિસ્‍તારમાં ટ્રાફિકજામની સમસ્‍યા રોજિંદી બની ગઈ છે. છાત્રાલય રોડ અને સુપર માર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્‍બર પાસે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્‍યા વકરી છે. રોજબરોજના ટ્રાફિકજામથી લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. સાથો સાથ અહીં જાહેરમાં કચરા ફેંકી ગંદકીના ગંજ ખડકાતા હોય આ સમસ્‍યા નિવારવા માંગ ઉઠી છે.
મોરબીના હાર્દસમાં વિસ્‍તાર ગણાતા છાત્રાલય રોડ કે જયાં દ્યણી સ્‍કૂલ કોલેજો આવેલી છે અને સુપર માર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્‍બર જેવા બહુ જ મોટા શોપિંગ સેન્‍ટરો આવેલા છે.જેથી ખરીદી માટે ભારે ભીડ રહે છે.તેમાંય પણ સ્‍કૂલ કે કોલેજ છૂટે ત્‍યારે અતિ ટ્રાફિક સમસ્‍યાઓ સર્જાઈ છે. રોજબરોજના ટ્રાફીકની અંધાધૂંધીએ લોકોને હેરાન પરેશન કરી દીધા છે.જયારે અહીંયા રોડ ઉપર આડા અવળા પાર્ક કરેલા વાહનો, ફ્રુટ કે અન્‍ય લારી વાળા તથા જે ખાલી ખોટા કંઈ કામ ના હોય અને ચક્કર મારવા આવતા લવર મુછીયાઓથી દ્યણી ટ્રાફિક સમસ્‍યાઓએ માજા મૂકી છે.
છાત્રાલય મેઈન રોડ પર આજુબાજુના શોપિંગમાં કચરો વાળતાં માણસો દ્વારા ધરાર ઠલવાતો અને બળાતો કચરો કે જયાં રોજ મોરબી મ્‍યુનિસિપલનું ટ્રેકટર કચરો લેવા આવે છે છતાં કચરો વાળવા આવતા માણસો ત્‍યાં જ ઠાલવે છે અને ના પાડતા ત્‍યાં ના આજુબાજુના રહીશો અને દુકાનદારો સાથે ઝદ્યડો અને ગાળાગાળી કરે છે. આવા કચરાથી સ્‍કૂલ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને આજુબાજુના રહીશોના આરોગ્‍ય ઉપર ગંભીર અસર પહોંચે છે સાથે સતત ધ્‍વનિ પ્રદુષણ ફેલાય છે. આથી સ્‍થાનિક એક જાગૃત નાગરિકે સંબધિત તંત્ર સમક્ષ ટ્રાફિક સમસ્‍યાનો વહેલી તકે નિવેડો લાવવાની માંગ કરી છે.

 

(11:48 am IST)