Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કચ્‍છના ૩૦૦૦ કિલો હેરોઇનની ડિલીવરી દિલ્‍હીના શખ્‍સને મળવાની હતી

એનઆઇએ ટીમ દ્વારા મુંદ્રા બંદરે મળેલ ડ્રગ્‍સ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા ધડાકો

નવી દિલ્‍હી, તા.૯: રાષ્‍ટ્રીય તપાસ એજન્‍સી (એનઆઇએ) એ મુંદ્રા બંદર પરથી ઝડપાયેલ ૩૦૦૦ કીલો હેરોઇન કેસની તપાસ બુધવારે પોતાના હાથમાં લઇ લીધી છે. એજન્‍સીના એક અધિકારીએ કહ્યું કે બુધવારે અપાયેલ ગૃહ મંત્રાલયના એક આદેશ અનુસાર એનઆઇએ એ મચાવરમ સુધાકરન, દુર્ગા પીવી ગોવિંદરાજુ, રાજકુમાર પી અને ગેરકાયદેસર ગતિવિધી (રોકથામ) કાયદાની કલમો હેઠળ નોંધાયેલ કેસની તપાસ શરૂ કરી છે. અધિકારીએ કહ્યું કે ઇરાનના અબ્‍બાસ બંદરથી મુંદ્રા પોર્ટ પર આવેલા ૨૯૮૮.૨૧ કિલો હેરોઇનની ઝડપી તપાસ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.
ફરાર થઇ ગયેલ એક આરોપી સિવાયના બધા આરોપીઓની ડીટેઇલ્‍સ એનઆઇએને સોંપી દેવાઇ છે. ૧૫ સપ્‍ટેબરે ડીઆરઆઇ ૧૫૦૦ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્‍ત કર્યુ હતું. જો કે ડીઆરઆઇ કુલદિપસિંહ નામના દિલ્‍હીના એક કારોબારીની ભાળ મેળવવામાં નિષ્‍ફળ રહ્યું હતું જેને આ હેરોઇન મળવાનું હતું. એવું કહેવાય છે કે આ ડ્રગ્‍સ તાલિબાની નિયંત્રણવાળા અફઘાનિસ્‍તાનમાંથી ભારત પહોંચયુ હતું.
અફઘાનિસ્‍તાનના ડ્રગ ડીલર હસન હુસેને આ ખેપ મોકલી હોવાનું અને તેણે સુધાકરને કુલદિપસિંહને આ કન્‍ટેનર સપ્‍લાય કરવાનું કહ્યું હોવાનું કહેવાય છે. જેથી કુલદિપસિંહને અફઘાન ડ્રગ ડીલર સાથે સંબંધ હોવાનું જાહેર થયું છે.

 

(11:43 am IST)