Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પોરબંદરના અડવાણા અને સોઢાણાથી શાળા-કોલેજ જવા એસ.ટી. બસ દોડાવવા એનએસયુઆઇની રજુઆત

પોરબંદર,તા.૯: અડવાણા અને સોઢાણા વિદ્યાર્થી રૂટ પર શાળા કોલેજના સમયે એસટી બસ ફાળવવા એનએસયુઆઇની એસટી ડેપો મેનેજરને રજૂઆત કરાય છે.

પોરબંદરના આજૂબાજૂના ગામડાઓ માથી હજારો વિધાર્થી અભ્યાસ માટે પોરબંદર આવતા હોય છે, વિદ્યાર્થીઓને પોતાના કોલેજના નિર્ધારિત સમય પર કોલેજે પહોંચવાનું હોય છે. વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર પોરબંદરથી રાવલ જે સવારે ૬:૨૦ એ બસ પોરબંદર ખાતે આવે છે તેમાં વિધાર્થીઓને જગ્યા મળતી નથી.

અડવાણા તેમજ સોઢાણા ગામના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીની બહેનો અને વિધાર્થી ભાઇઓ પોરબંદર અભ્યાસ માટે કોલેજે આવે છે. આ જે સવારે ૬:૨૦ ના બસ આવે છે તેમાં એક પણ વિધાર્થીની કે વિધાર્થીને બેસવા માટે જગ્યા મળતી નથી અડવાણા થી પોરબંદર સુધી તમામ વિદ્યાર્થીઓને ઉભીને આવાની ફરજ પડે છે.આ બાબતની જાણ  પોરબંદર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડને વિદ્યાર્થીઓ દ્વારા થતા તુરંત વિદ્યાર્થીઓને સાથે રાખી એસ.ટી ડેપો મેનેજરને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.

ડેપો મેનેજરને જણાવાયુ હતું કે આ વિદ્યાર્થી રૂટ પર જે બસ સવારની આવે છે તેમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ બન્ને હોવાથી વિદ્યાર્થીઓને જગ્યા મળતી નથી તેથી તેમને ઉભા-ઉભા આવાની ફરજ પડે છે, બસમાં પણ ગીચતા થઇ જાય છે. ત્યારે આ રૂટ પર માત્ર વિધાર્થીઓ માટે મિની બસ કે મોટી બસ ફાળવવામા આવે તેવી માંગ કરી હતી. થોડા દિવસોમાં પરિક્ષાઓ પણ શરૂ થવાની હોય તો આપ વહેલી તકે જ આ બસ ફાળવો તેવી રજૂઆત કરી હતી જે ડેપો મેનેજરે વિદ્યાર્થી હિતમા ગુરુવારથી આ રૂટ પર વિદ્યાર્થી માટે બસ ફળવી આપવામાં આવશે. તેમ જણાવેલ છે. 

(11:05 am IST)