Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જુનાગઢમાં ધો.૧રના વિદ્યાર્થીનુ બે શખ્સો દ્વારા અપહરણ

વિદ્યાર્થી બાઇક પરથી ઠેકડો મારી જતાં બે શખ્સો નાસી ગયા

જુનાગઢ તા. ૯ રાજકોટ જિલ્લાના ખેરડી ગામે રહેતા બીજલભાઇ ગોકળભાઇ સરસીયા ભરવાડ (ઉ.વ.૩૯)નો પુત્ર લીંબાભાઇ (ઉ.વ.૧૭) જુનાગઢમાં ધો.૧ર સાયન્સમાં અભ્યાસ કરે છે.

ગઇકાલે બપોરના ૩.૧પના અરસામાં આ  વિદ્યાર્થી શહેરમાં નવી આરટીઓ કચેરી પાસે આવેલ હોસ્ટેલ પરથી ટયુશનમાં જતો હતો.

ત્યારે નંદનવન રોડ પર બે શખ્સો ધસી આવ્યા હતા અને લીંબાભાઇ પાસે રૂ.ર૦૦ની માંગણી કરી ઝાપટ મારીને મોટર સાયકલ ઉપર બેસાડીને લીંબાનું અપહરણ કરી ગયા હતા.

પરંતુ રસ્તામાં બમ્પ આવતા વિદ્યાર્થી લીંબાભાઇ ઠેકડો મારીને બાઇક ઉપરથી ઉતરી ગયો હતો અને બંને શખ્સો નાસી ગયા હતા.

આ અંગે વિદ્યાર્થીનાં પિતા બીજલભાઇ સરસીયાને જાણ થતા તેઓએ જુનાગઢ દોડી આવ્યા હતા અને પોલીસને વાકેફ કરતા બી ડીવીઝનના પીએસઆઇ કે.કે.મારૂ તુરત જ દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમીક તપાસમાં વિદ્યાર્થી લીંબાભાઇનું અપહરણ સ્થાનિક ઇલીયાસ  નામના મુસ્લિમ શખ્સ અને તેના સાગ્રીતો કર્યુ હોવાનું જાણવા મળતા બંને શખ્સો સામે પોલીસે સગીરના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(1:03 pm IST)