Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજકોટ જિલ્લા બેંકની ઉકરડા (પડધરી) શાખા-મોબાઇલ વાન લોકાર્પણ

રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પડધરી પાસેના ઉકરડા ગામની શાખાનું ચેરમેન જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ થયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૯ :.. શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર શ્રી વી. એમ. સખીયાના જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદ શ્રી વિઠલભાઇ રાદડીયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના કુશળ વહીવટના કારણે આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત ક્ષેત્રે અવિરત પ્રગતિ કરેલ છે તેમજ બેંક મારફત ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દાખલ કરેલ છે.

અને હાલ બેંકની ૧૯૧ શાખાઓ પૈકી ૧રપ શાખાઓ નાના-નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડૂતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેંકીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઇ રાજકોટ જીલ્લામાં પડધરી તાલુકાના ઉકરડા ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજૂરી મળતા ઉકરડા મુકામે બેંકની નવી શાખાનું લોકાર્પણ બેંકના ચેરમેન  શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ છે.

બેંકની નવી શાખાના ઉદ્ઘાટન સાથે સાથે આ બેંક તરફથી નાણાંકીય સાક્ષરતાની કામગીરી માટે ખરીદેલ મોબાઇલ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવેલ આ મોબાઇલ વાન મારફત બેંકના કાર્યક્ષેત્રમાં આવતા છેવાડાના માનવીઓમાં નાણાંકીય સાક્ષરતા લાવવા પ્રયત્નો કરવામાં આવશે આ કાર્યક્રમની સાથે સાથે ખેડૂતોને આધુનિક ખેતી માટે ખેડ-ખાતર અને પાણી બાબતે નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પાક શિબીરનું પણ આયોજન કરવામાં આવેલ. આ બેંક સાથે જોડાયેલ ખેડૂત સભાસદોનાં અકસ્માત મૃત્યુના કિસ્સામાં બેંક તરફથી રૂ. ૧૦ લાખનો વીમો લેવામાં આવે છે જે કલ્યાણકારી યોજનામાં અકસ્માતે ગુજરનાર ખેડૂત સભાસદોના વારસદારોને ચેક વિતરણ પણ કરવામાં આવેલ.

(2:03 pm IST)