Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પોરબંદરમાં માઇક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરાઃ કોળી સમાજ દ્વારા ૯૪ વર્ષથી અનોખી ગરબી

માત્ર પુરૂષો ગરબી રમેઃ ટોપી પહેરવી ફરજીયાતઃ અમેરિકાની યુનિવર્સિટીએ ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી

પોરબંદર તા.૯: અહીં લીમડા ચોકમાં દિવેચા કોળી સમાજ દ્વારા ૯૪ વર્ષથી યોજાતી અનોખી ગરબીમાં માઇક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાય છે. આ ગરબીમાં માત્ર પુરૂષો જ રમી શકે છે. ગરબી રમનારા પુરૂષોએ ટોપી પહેરવી ફરજીયાત છે. વર્ષો પહેલા અમેરિકાની ડયુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

જણાવેલ કે માં શકિતની ઉપાસનાથી માનવ હદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઇ સોલંકી તથા તેના મીત્રોએ કરી હતી. સ્વ. જાદવભાઇએ ભદ્રકાલી માતાજીના ગરબાની સ્વ રચના કરી હતી. સ્વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે.

જયાં માત્ર પુરૂષો જ ગરબી રમે છે. જયાં માઇકનો ઉપયોગ થતો નથી. પ્રદૂષણ મુકત ગરબી છે અને આ ગરબી રમનારા પુરૂષો માથે ભાતીગળ ટોપી ફરજીયાત પહેરે છે. તેવી સોૈરાષ્ટ્ર ભરની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે.

આ ગરબીમાં ડોસ્કો ધૂનમાં ફાવે તેમ રંગે ઢંગે કે ઢાળના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઇપણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને પુરૂષોએ ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે.

આ આદ્યશકિતના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઇ છે. ગરબીમાં ઉઘાડું માથું ચાલે નહીં. આધુનિક યુવાનોને પણ ટોપી પહેરવી પડે છે. ગરબીમાં આજે પણ કોળી સમાજના સક્રિય કાર્યકર એવા રામજીભાઇ બામણીયાના રાહબરી હેઠળ વિવિધ ભારતીય પ્રાચીન સંસ્કૃતિને વેશભુષામાં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, જાનકી-શિવ-પાર્વતી, નારદજી-ભીષ્મ પિતાહમ-લવ-કુસ વગેરે વેશો પુરૂષો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરૂષો સાથે ગાય છે રમે છે.

પોરબંદર અને સોૈરાષ્ટ્ર ગુજરાતના ગોૈરવરૂપ સાંસ્કૃતિક વારસો સાચવતી એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોના ફાળે જાય છે.

આ ગરબીની વિશેષતા ગરબીમાં લાઉડ સ્પીકર રાખવાની મનાઇ છે. માત્ર દૈવી શકિતની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા એ આ ગરબીનો મુખ્ય ઉદ્દેશ રહયો છે. રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં આ નવરાત્રીનો ૭૫માં વર્ષનો ઉત્સવ અમૃત મહોત્સવ ઉજવણી કરાઇ હતી.

પુર્વ ઉદ્યોગમંત્રી શશીકાન્ત લાખાણી, મંત્રી બાબુભાઇ બોખીરીયા, નવયુગ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મધુભાઇ મહેતા, પુર્વનગર પાલિકાના પ્રમુખ લાલજીભાઇ પાંજરી, નાયબ કલેકટર હિમાંશુ પારેખ, પુર્વ ચિફ ઓફિસર એમ.ડી. વિઠલાણી, ચેમ્બર પ્રમુખ ભગુભાઇ દેવાણી, દાતા મોહનભાઇ કોટેચા, સામાજીક કાર્યકર વિનુભાઇ ગોંદીયા, પ્રતાપભાઇ દસાણી, વજુ પરમાર, નગર સેેવકો ભગવાનજીભાઇ બામણીયા, નટુભાઇ બામણીયા,પુર્વ જિલ્લાા પંચાયતના પ્રમુખ રાજશીભાઇ પરમાર,જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઇ ડાકી, ગીગાભાઇ ચાવડા, અરજનભાઇ વાઢીયા, ડો.ઇશ્વરભાઇ ભરડા ઉપસ્થિત રહી આ ગરબીને મનભરીને માણી છે. પોરબંદરની ગોૈરવરૂપ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ-વિદેશના મેગેઝિનોમાં લેખરૂપે પ્રસિદ્ધ થતાં દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે. આ અગાઉ અમેરિકાની ડયુક યુનિવર્સિટીના ડાન્સીંગ વિષયના નિષ્ણાંત પ્રો.ડો. પૂર્ણિમા શાહે પોરબંદરના પુરાતત્વવિદ નરોત્તમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પાચીનતાને લઇ ડોકયુમેન્ટરી બનાવવા ટીમ સાથે આવેલ હતા. આ ગરબી ગુજરાતનું નહીં હિન્દુસ્તાનનું ગોૈરવ છે તેમ જણાવી લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસની કદર કરવી ઘટે તેવી ભાવના વ્યકત કરી હતી.

ભદ્રકાલી ગરબી મંડળના પુર્વ પ્રમુખ સ્વ. ભીખાબાપા માલીની રાહબરી હેઠળ પ્રમુખ રામજીભાઇ સી. બામણીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઇ બામણીયા, શ્રી બાબુભાઇ ભાલીયા, મંત્રી શ્રી રામજીભાઇ મકવાણા, શ્રી પ્રેમજીભાઇ વાજા સહિતના યુવા કાર્યકરો તેમજ ભદ્રકાલી માતાજી મંદિરના પુજારી શ્રી ચંન્દ્રકાન્તભાઇ અને સ્વ. જનાર્ધન બાબુભાઇ વગેરેએ પ્રાચીન ઢબે છંદ અને લયબદ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે.

આધુનિક નવરાત્રીમાં માંની ભકિતનાં દર્શન કયાંય જોવા મળતાં નથી. નવરાત્રી મહોત્સવનું વ્યાપારીકરણ થઇ ગયું છે.  અને કાન ફાડી નાખે તેવા પ્રદૂષણના અવાજો, ડિસકો મ્યુઝીક-ડી.જે. જેવા ઉપકરણો, અને આધુનિક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રીની પારંપારિક ઓળખ ભુલાવી દીધી છે. શકિતની ભકિતના સ્થાને કફત નાચગાન એ આજના યુવાનોની નવરાત્રી છે ત્યારે એક માત્ર માઇક વગરની ભદ્રકાલી માતાજી મંદિરની વિશિષ્ટ ગરબીમાં ભકિત-શકિતની ઉપાસના જોવા મળે છે.

ભદ્રકાલીનાં ગરબાની સ્વરચના દિવેચા કોળી જ્ઞાતિનાં કવિ સ્વ. જાદવભાઇ લખમણભાઇ સોલંકીએ કરી હતી. તે ગરબાવલીમાં ૫૦ જેટલાં ગરબાઓનો સમાવેશ કરીને આ ગરબાવલીનું પુનઃમુદ્રણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અને આ અનોખી ગરબી જોવા લોકો આવે છે ત્યારે આ પુસ્તિકા અચુક લઇને આપણા પારંપારિક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા બદલ ધન્યતાની લાગણી અનુભવે છે.

ગરબાવલી પુસ્તિકા અને અન્ય માહિતી માટે ભદ્રકાલી ગરબી મંડળના પ્રુમખ રામજી ભાઇ સી. બામણીયા (ભદ્રકાલી રોડ વોર્ડ નં.૭ શેરીનં-૨, પોરબંદર ફોન ૯૯૨૫૯ ૮૮૨૮૦) નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે.

(2:00 pm IST)