Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જસદણમાં કોંગ્રેસનો ‘જનોઈવઢ' ઘા ! બાવળીયાના ગામની તા.પં. બેઠક જીતી

કુંવરજીભાઈના ગામ વિંછીયા અમરાપુર બેઠક પર કોંગ્રેસનો ૪૪૫ મતે વિજય : પેટાચૂંટણીમાં દયાબેન મુકેશભાઈ તલસાણીયા ભાજપના ઉમેદવારને પરાસ્‍ત કરી વટભેર જીત્‍યા

આટકોટ, તા., ૯ : જસદણ-વિંછીયા વિધાનસભાની ચૂંટણીના પડઘમ લાગી ચૂક્‍યા છે તેવા સમયે જ વિંછીયા તાલુકા પંચાયતની અમરાપુર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દયાબેન મુકેશભાઇ તલસાણીયા (કોળી)નો ૪૪પ મતે વિજય થતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ ભાજપના આગેવાનોમાં સોંપો પડી ગયો છે.

ધારાસભ્‍ય પદેથી તથા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈને ધારાસભ્‍ય ન હોવા છતા કેબીનેટ મંત્રી પદે બિરાજેલા કુંવરજીભાઈ બાવળીયાને ધારાસભ્‍ય નહીં થવા જઈએ તેવો કોંગ્રેસે ફેંકેલો પડકાર યથાર્થ ઠરે તેવી શકયતા ઉભી કરતો ફેંસલો વિંછીયા અમરાપર તાલુકા પંચાયત બેઠક પર આવ્‍યો છે. કોંગ્રેસે કરેલા જનોઈવઢ પ્રહારરૂપે કોંગ્રેસના ઉમેદવાર દયાબેન મુકેશભાઈ તલસાણીયા ભાજપના ઉમેદવારને ૪૪૫ મતે હરાવી વિજેતા ઘોષિત થતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

જસદણ ધારાસભ્‍યનું ચૂંટણી નજીકના ભવિષ્‍યમાં યોજાનાર છે ત્‍યારે આજે આવેલા જસદણ તાલુકા પંચાયતની અમરાપુર બેઠકની ચૂંટણીના પરિણામોથી જસદણનું રાજકારણ ગરમાયુ છે.

અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર કુંવરજીભાઈ બાવળીયાના ઉમેદવારનો ૪૫૦ મતથી તોતીંગ લીડથી પરાજય થતા રાજકીય ખળભળાટ એટલા માટે ફેલાયો છે કે અમરાપુરએ રાજ્‍યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું ગામ (વતન) છે.

કુંવરજીભાઈ બાવળીયા મંત્રીપદે ચાલુ તો જ રહે જ્‍યારે તેઓ જસદણની ધારાસભા બેઠક પર પુનઃ ચુંટાઈ આવે તો જ તેમનું મંત્રી પદ ચાલુ રહે તેમ છે ત્‍યારે કુંવરજીભાઈના હાલના પક્ષનો તેમના જુના પક્ષ સામે પરાજય થતા ધારાસભામાં શું થશે ? તે માટે અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે.

જસદણમાં એક રાજકીય પ્રશ્ન એવો પણ શરૂ થઈ ગયો છે કે શું જસદણના લોકોના મિજાજના દર્શન તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં થયા છે. આગમના એંધાણ છે કે, સ્‍થાનિક વર્ચસ્‍વના કારણે આવુ પરિણામ આવ્‍યુ છે કે, ઉમેદવારની વ્‍યકિતગત ચાહનાના કારણે આવુ થયુ છે. અનેક પ્રશ્નોએ આકાર લીધો છે.

જસદણ વિધાનસભા હેઠળના વિંછીયા તાલુકા પંચાયતની અમરાપુર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા ભાજપના દુધીબેન જયંતીભાઈ કોળી સામે કોંગ્રેસના દયાબેન મુકેશભાઈ તલસાણિયા ૪૪૫ મતે વિજેતા થયા છે.

અમરાપુરમાં સામાન્‍ય ચૂંટણી વખતે ચૂંટાયેલા કોંગી સભ્‍ય સરપંચ બનતા તેમણે આપેલા રાજીનામાથી બેઠક ખાલી પડી હતી કે કોંગ્રેસે જાળવી રાખી છે. પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાના પક્ષપલ્‍ટા પછી તેમના વિસ્‍તારમાં જનાદેશનો પ્રથમ અવસર હતો. જેમાં કુંવરજીભાઈ જુથના ઉમેદવારની હાર થઈ છે. કુંવરજીભાઈ તાલુકા પંચાયતની એક બેઠક પણ ભાજપને અપાવી શકયા નથી. કોંગ્રેસ આ પરિણામને આગમના એંધાણરૂપ ગણાવે છે.

અમરાપુર બેઠકના અગાઉના વિજેતા ઉમેદવાર મંજુબેન અમરશીભાઇ વાછાણી સ્‍થાનીક અમરાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચુંટણી લડયા હતા જેથી તેઓએ તાલુકા પંચાયતના સભ્‍ય પદેથી રાજીનામું આપતા અમરાપુર ૧ની પેટા ચુંટણી યોજાઇ હતી.

બે દિવસ પહેલા યોજાયેલ આ ચુંટણીમાં કુલ મતદાન ૪૦૧૭ હતું. જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર દયાબેન મુકેશભાઇ તલસાણીયાને ૧૩૯૮ જયારે ભાજપના ઉમેદવાર શિલ્‍પાબેન જયંતીભાઇ વાસાણીને ૯પ૩ મતો મળ્‍યા હતા. જયારે નાટામાં ર૮ મતો પડયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવારનો ૪૪પ મતની જંગી લીડથી વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસો બાદ જસદણ વિંછીયા વિધાનસભાની પેટા ચુંટણી યોજાવાની છે તેવા સમયે રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેર્યો છે. ત્‍યારે કુંવરજીભાઇના માદરે વતનમાં જ કુંવરજીભાઇના ઉમેદવારનો ભુંડો પરાજય થતા ભાજપની છાવણીમાં અને કુંવરજીભાઇ સહિત તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો છે.

અમરાપુરની આ સીટમાં સૌથી વધુ મતદારો કોળી જ્ઞાતિના જ છે જો કે બંન્ને ઉમેદવારો પણ કોળી જ્ઞાતિના હોય આ ચુંટણીમાં ભારે રસાકસી યોજાયેલ. રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું વતન જ અમારાપુર છે. તેમજ હાલમાં પણ કુંવરજીભાઇની શૈક્ષણીક સંસ્‍થા પણ ત્‍યાં હોવા છતા અને ખુદ કુંવરજીભાઇ બાવળીયાએ બે-બે વખત આ ગામમાં મીટીંગો કરી મતદારોને સમજાવ્‍યા હોવા છતા પરીણામ ભાજપની વિરૂધ્‍ધ આવતા છેક પ્રદેશ સુધી આની નોંધ લેવાઇ છે.

જયારે સામા પક્ષે સ્‍થાનીક આગેવાનો સિવાય કોંગ્રેસના કોઇ નેતા પ્રચારમાં આવ્‍યા ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારની જીત થતા રાજકીય ક્ષેત્રે આ પરીણામ અંગે ભારે ચર્ચા શરૂ થઇ ગઇ છે.

જો કે કોંગ્રેસના વિજેતા ઉમેદવારના પતિ મુકેશભાઇ તલસાણીયાએ ભાજપમાંથી જ ટીકીટ ન અપાતા તેઓએ કોંગ્રેસમાંથી જંપલાવ્‍યું હતું અને વિજેતા બન્‍યા હતા.

દયાબેન અને મુકેશભાઇના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા છે મુકેશભાઇ વ્‍યવસાયે હિરા ઘસવાનું કામ કરે છે. પરંતુ પોતાના ગામમાં કે આજુબાજુના ગામોમાં કોઇના પડતર પ્રશ્નો હોય તેનો સ્‍વખર્ચે દોડી નિકાલ કરતા હોય તેમનો વિજય થયો હતો.

આજે યોજાયેલ મત ગણતરી દરમિયાન વિંછીયા મામલતદાર એ.ડી.ચૌહાણ અને પોલીસે યોગ્‍ય બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો.

આ પરીણામથી તાલુકામાં નિષ્‍ક્રીય થઇ ગયેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્‍સાહ જગાવ્‍યો છે. ત્‍યારે ભાજપના કાર્યકરોમાં મોઢા એટલી ચર્ચાએ જોર પકડયું છે.

(2:55 pm IST)