Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધોરાજી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા માંગણી

ધોરાજી તા.૯: ધોરાજી તાલુકા ચાલુ સીઝનમાં માત્ર ૧૧ ઇંચ વરસાદ પડતા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવાની માંગણી ઉઠેલ છે.

તાલુકાની તમામ સહકારી મંડળીઓના પ્રમુખો તથા મંત્રીઓની બેઠક સહકાર ભવન ખાતે, સંઘના ચેરમેન આર.સી. ભૂત તથા યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણીની હાજરીમાં થયેલ હતી. આ બેઠકમાં કુદરત નારાજ થતા ઉભી થયેલ દુકાળની પરિસ્‍થિતિ અંગે મુખ્‍યમંત્રી સમક્ષ રજુઆત કરવા નિર્ણય લેવાયેલ હતો. ખેડૂતોના જણાવ્‍યા મુજબ પ્રધાનમંત્રી ફસલ યોજનાના મુદ્દા નં.૧૨ મુજબ દાવાની ચુકવણીમાં રાહતના ધોરણો પ્રમાણે છેલ્લા બે માસથી પાકને અનુરૂપ વરસાદ પડેલ નથી. તેના લીધે મગફળી તથા કપાસના પાકના ઉત્‍પાદનમાં ૫૦ થી ૬૦ ટકા જેવી ઘટ થવાની ભિતી છે.

સરકારશ્રીએ લોકોના હિતમાં વહેલી તકે દુષ્‍કાળ અંગેનું જાહેરનામું બહાર પાડે  જે ખેડૂતોની વહોર આવવું જરૂરી બનેલ છે. તદ્દઉપરાંત વિમા કંપનીઓ દ્વારા ક્રોપ કટીંગની મોંજણી માટે લેવાયેલા પ્‍લોટ માંથી પિયતવાળા આવેલ છે. જેનો ખ્‍યાલ અધિકારીઓને હોતો નથી. જેથી આવી વિસંગતતા દૂર કરવા ૫૦ ટકા બિન પિયતના નમુનાઓ લેવા જરૂરી છે. ઉત્‍પાદનના વાસ્‍તવિક અને સાચા આંકડા મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા વિમા કંપનીને યોગ્‍ય સુચના આપવા માંગણી કરાયેલ છે. ધોરાજી તાલુકામાં સામાન્‍ય રીતે ૩૦ થી ૩૫ ઇંંચ વરસાદ પડેલ છે. પરંતુ આ વર્ષે ૨૦ જુલાઇ પછી વરસાદ પડેલ નથી. જેથી દુષ્‍કાળના વાદળો છવાયેલ છે.

(10:21 am IST)