Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કાલથી પોરબંદર સાન્‍દીપનિ હરિમંદિરે પૂ. રમેશભાઈ ઓઝાનું નવરાત્રી અનુષ્‍ઠાનઃ રામચરિત માનસ અને ભાગવત્‌ કથા

રાસગરબાના મેઘધનુષી કાર્યક્રમઃ દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે

જૂનાગઢ, તા. ૯ :. પોરબંદરમાં રાષ્‍ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા - સ્‍થાપિત સાન્‍દીપનિ વિદ્યા નિકેતન શ્રીહરિ મંદિર ખાતે આગામી તા. ૧૦ને બુધવારથી તા. ૧૯ને શુક્રવાર સુધી પૂ. ભાઈશ્રીજીનું સાડત્રીસમુ નવરાત્રી અનુષ્‍ઠાન ધર્મોત્‍સવ રૂપે ઉજવાનાર છે.

જેમાં પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસથી વિજયાદશમી સુધી પ્રતિ દિન સવારે ૯ થી ૧ પૂ. ભાઈશ્રી તથા ભકતવૃંદ દ્વારા સંપૂર્ણ રામચરિત માનસનું સંગીતમય પઠન, ગાયન તેમજ પ્રતિદીન બપોરે ૩.૩૦ થી ૬.૩૦ પૂ. શ્રી ભાનુપુરા પીઠાધિશ્વરજી દિવ્‍યાનંદજી મહારાજના વ્‍યાસાસને ભાગવત કથા તેમજ પ્રતિદિન સંધ્‍યા સમયે નવરાત્રીના રાસ ગરબા મેઘધનુષી કાર્યક્રમો યોજાશે.

તા. ૧૯ના રોજ સવારે ૯ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી સુંદરકાંડ હોમાત્‍મક યજ્ઞ અને બપોરે ૪.૩૦ કલાકે દ્વારિકાના જગતમંદિરે ધ્‍વજારોહણ સાથે અનુષ્‍ઠાનનું સમાપન થશે. તેમજ શ્રી હરિમંદિરે સવારે ૭.૩૦ કલાકે અને સાંજે ૭ કલાકે દેવીદેવતાઓની આરતી થશે. આ ધર્મોત્‍સવ દરમ્‍યાન દેશવિદેશથી ભાવિકો ધર્મલાભ લેવા ઉમટશે ત્‍યારે સુદામાની પાવનનગરીમાં પોરબંદર અને સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આ ધર્મોત્‍સવનો લાભ લેવા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવાયુ છે.

(9:56 am IST)