Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ખોલવા રજુઆત

માર્કેટીંગ યાર્ડના હોદેદારો દ્વારા ડે. કલેકટરને આવેદન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૯ : માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ કોયાણી દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવેલ કે ધોરાજી શહેર અને તાલુકામાં કોરોનાનું કાળ ચક્ર દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે ફેલાઈ રહ્યું છે આજે કોરોના સંક્રમણના આંકડા ૫૮૬ ઉપર અને મૃત્યુઆંક ૩૦ ઉપર પહોંચવામાં છે ત્યારે ધોરાજી શહેરની વસતી ૮૦ હજાર આસપાસ છે ત્યારે વાસ્તવિકતાના આધાર ઉપર કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હશે અને હજુ પણ સંખ્યા કયાં પહોંચે તે કલ્પના લોકોને ધ્રુજાવી મૂકે છે

ધોરાજી શહેરમાં અત્યારે કોરોના ચેકિંગ બાબતનો કલેકશન સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઊભું કરવામાં આવ્યું છે જેમાં કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે ત્યારે મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલા સેમ્પલ લઇ રાજકોટ મોકલવામાં આવ્યા છે તેમજ ૮૦૦૦ જેટલા દર્દીઓનો ધોરાજી ખાતે સેમ્પલ કરવામાં આવ્યો છે આ રિપોર્ટ ધોરાજીમાં કેટલી હદ સુધી પ્રસરી રહ્યો છે તેનો અંદાજ આવી રહ્યો છે

આવા સમયે ધોરાજીમાં કોરોના પોઝિટિવ ના દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે અને સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે ત્યારે ધોરાજી થી દર્દીઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવે છે પરંતુ રાજકોટમાં મૃત્યુઆંક વધારે હોય અને દર્દીઓને આ બાબતનો વધુ ડર હોય જેથી રાજકોટ જવા માંગતા નથી અને ધોરાજીમાં રહે છે અને સંક્રમણ વધારે ફેલાય છે પરંતુ આ સંજોગોને ધ્યાનમાં લઇ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાર માળનું બિલ્ડિંગ છે અને ૫૬ બેડ ધરાવતી સરકારી હોસ્પિટલ કાર્યરત છે અને તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે જેથી તાત્કાલિક અસરથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિદ સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી ધોરાજી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ કોયાણીની માગણી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં જે પ્રકારનો  ઘટતો સ્ટાફ અને ડોકટરો ઘટે છે તે પણ તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી પણ માગણી છે. અંતમાં જણાવેલ કે ગુજરાત રાજયની સંવેદનશીલ સરકાર પાસે ધોરાજીના લોકો ખૂબ મોટી અપેક્ષા રાખી છે યોગ્ય નિર્ણય તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલને કોવિડ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવે તેવી અપેક્ષા વ્યકત કરાઇ છે.

(11:46 am IST)