Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દલિત સમાજ વિરોધી પ્રવચનના રાજ્યભરમાં ઘેરા પડઘા પાલીતાણામાં સંત વિશ્વવલ્લભના ફોટા- પૂતળાને આગચંપી

વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતભરના દલિત સમાજમાં રોષ ભભૂક્યો : સ્વામી પર એટ્રોસીટી લગાવવાની માંગ

પાલીતાણા : સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના વલ્લભદાસ સ્વામી દ્વારા મંચ પર પ્રવચન દરમિયાન દલિત સમાજ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી બાદ  આક્રોશ ફાટી નિકળ્યો છે અત્યાર સુધીમાં પાંચથી વધુ ફરિયાદ માટેની અરજીઓ ગુજરાતભરમાં થઇ છે, ભાવનગર અને પાલીતાણામાં દલિત સમુદાય દ્વારા સ્વામીના ફોટા અને પૂતળાને આંગચંપી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, સાથે જ દલિત આગેવાને સ્વામીને લઈને ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતભરમાં થયેલી અરજીઓમાં સ્વામી પર એટ્રોસીટી લગાવવાની વાત કરવામાં આવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે, 8 સપ્ટેમ્બરે વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતભરના દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપે દલિત સમુદાયમાં સ્વામી પ્રત્યે આક્રોશ સ્પષ્ટ પણે જોઇ શકાય છે. કેમ કે, પ્રવચન બાદ રાજ્યના અલગ-અલગ જગ્યાએ ફરિયાદ કરવા માટે લોકો પોલીસને લેખિતમાં રજૂઆત કરી રહ્યાં છે.

    ગઈકાલે સાંજે (8 સપ્ટેમ્બર) રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ભાવનગર જિલ્લાના આગેવાન મોવજીભાઈ સરવૈયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, દલિત હોવું કે હિન્દુ હોવું શું એ ગુનો છે? તેમને આગળ કહ્યું કે, સ્વામીએ બંધારણીય રીતે પ્રતિબંધિત કરેલા શબ્દો બોલી દલિતોનું અપમાન કર્યું છે એટલે અમે સ્વામીનું પૂતળું દહન કરીને તેમનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પરંતુ પોલીસે અમને અટકાવી દીધા છે. તેમને પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, પોલીસ દ્વારા અમારો કેસ લેવામાં આવી રહ્યો નથી.

     મોવજીભાઈએ વધુ જણાવતા કહ્યું કે, “જો મોરારી બાપુ બોલે તો એના પર ડિબેટો થતી હોય છે જ્યારે દલિતો સાથે અવ્યવહાર થાય છે ત્યારે સંતો મહંતો કેમ કશું બોલતા નથી. અમારે નથી આવવું તમારા મંદિરમાં પણ તમે દલિતો વિશે અભદ્ર ટીપ્પણી કેમ કરો છો? આનો રોષ આખા ગુજરાતમાં ફાટી નીકળ્યો છે. તેમને ચિમકીના રૂપમાં વિશ્વવલ્લભ સ્વામીને સંબોધિને કહ્યું છે કે, તમે જો ભાવનગર આવશો અને અમને તેની જાણકારી મળશે તો તમે ભાવનગરની બહાર પણ નહીં જઈ શકો. ”

(7:57 pm IST)