Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાંકાનેરના વાંકીયામાં ૧ કલાકમાં ૮ ઈંચ વરસાદ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૯ :. વાંકાનેરમાં આજે બપોરે ૩ વાગ્યા પછીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને કડાકા-ભડાકા સાથે એકાદ ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વાંકાનેરથી આઠેક કિલોમીટર દૂર આવેલા વાંકીયા ગામે ૧ કલાકમાં ૮ ઈંચ વરસાદ પડયાનું જાણવા મળ્યુ છે.

વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યુ હતુ અને બપોરના સમયે દે ધનાધન વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

વાંકીયા ગામે પણ નદી-નાળા છલકાઈ ગયા હતા અને શેરીઓમાંથી વરસાદના પાણી પસાર થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે વાંકીયા ગામમાં લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં વારંવાર પલ્ટો આવ્યા કરે છે અને કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ અતિભારે વરસાદ વરસી જાય છે.

(4:34 pm IST)