Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ખંભાળિયા સહિત જિલ્લામાં બે દિવસમાં ભારે વરસાદ

ખંભાળિયા, તા. ૯ :. દેવભૂમિ જિલ્લો વરસાદમાં પાછળ રહી ગયેલો જે શનિ-રવિમાં મેઘરાજાએ મહેર કરતા ભારે વરસાદ પડતા ઠેકઠેકાણે ચારથી માંડીને નવ ઈંચ સુધી વરસાદ પડતા જિલ્લાના મોટા ભાગના તળાવો, ચેકડેમો છલકાઈ ગયા હતા તથા ડેમોમાં નવા નીર આવ્યા છે.

ગાજવીજ સાથે તોફાની વરસાદ

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ભયંકર વિજળી તથા મેઘગર્જના સાથે ભારે વરસાદ પડયો હતો. ખંભાળિયામાં છ ઈંચ કલ્યાણપુર તાલુકામાં આઠ ઈંચ, દ્વારકા ત્રણ ઈંચ તથા ભાણવડમાં પાંચ ઈંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદ અને વિજળીને કારણે સંખ્યાબંધ ગામોમાં તથા ખંભાળિયામાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તથા કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી બંધ રહ્યો હતો તો ઓખાના અનેક વિસ્તારોમાં રાત્રે ગાયબ થઈ ગયેલ વિજળી બીજા દિવસે બપોરે પૂર્વવત થઈ હતી.

પાંચ સ્થળે વીજળી પડી !!

ખંભાળિયામાં પાંચ સ્થળે વિજળી પડી હતી. જેમાં બે વિજળી ચાર રસ્તા પાસે સબ સ્ટેશનના વિજવાયરો પર કડાકા સાથે પડી હતી. જો કે વાયર સાથે વિજળી જમીનમાં ઉતરી જતા કોઈ દુર્ઘટના થઈ ન હતી. જો કે એક વિજળી હમદપુર તથા એક વીજળી મહાપ્રભુજી બેઠક પાસે પડી હતી. તે વીજ ટ્રાન્સપોર્ટરમાં ચાલી જતા હાઈવોલ્ટેજ થઈ જતા અનેક લોકોના ટીવી, ફ્રીજ, એસી, પંખા, લાઈટો બળી ગયા હતા. ખંભાળિયાના પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ મંદિરે બે સ્થળે વિજળી પડી હતી. મંદિરમાં આવેલા કૈલાસ ભવન નામના મકાન પર વિજ ળી પડતા તેના એક ભાગમાં ખાડો પડી ગયો હતો. જ્યારે એક વિજળી મંદિરમાં રાખેલા વીજ નિયંત્રણ વાયરમાં ચાલી ગઈ હતી. જો કે આ વાયરમાં શોકસર્કિટ થતા વીજ વોલ્ટેજ વધતા આસપાસના પૂજારી સહિતના લોકોના ઘરોમાં ઈલેકટ્રીક ઉપકરણોને ભારે નુકશાન થયુ હતું.

મહાપ્રભુજી બેઠકમાં રામનાથમાં દુકાનોમાં પાણી ઘુસ્યા

ખંભાળિયામાં શનિવારના રોજ પડેલા સાડા પાંચ ઈંચ વરસાદના પગલે ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠકમાં પૂરની સ્થિતિમાં થઈ હતી તો રામનાથ સોસાયટીના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં  વ્યાપક વરસાદ

શનિ-રવિ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો તથા જિલ્લાના કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડયો હતો. હરિપર, ચુડેશ્વર, પટોડીયા, સલાયા, વિસોત્રી, હર્ષદપુર, વડત્રા, કુહાડીયા, બારા, સી. કાલાવડ, ગોઈજ તથા કલ્યાણપુરના સૂર્યાવદર, રાવલ, દુધીયા, ધતુરીયા, ટંકારીયા, રાજપરા, કેનેડી, ચુર, ચપર, પાનેલી સહિતના ગામોમાં વ્યાપક વરસાદ પડયો હતો.

બે ડેમ ઓવરફલો,  અન્યમાં વધુ પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કવસ્કા તથા વેરાડી-૧  ડેમ ઓવરફલો થયા હતા જ્યારે સિંહણ ડેમમાં ૧૩ ફૂટ પાણી હતુ. તેમા આઠ ફુટ નવુ પાણી આવતા ૯૦ ટકા ઉપરાંતનો ભરાઈ જતા હવે થોડા વરસાદમાં ઓવરફલો ઈ જશે તો રાવલ પાસેનો સાથી ડેમ જે નવો બનાવવાનો હોય હાલ પુરતો એક મીટર ભરવાનું નક્કી થયેલુ જે ભરાઈ જતા તેના ચાર દરવાજા ખોલવા પડયા હતા તો ગઢકી ડેમમાં તથા વર્તુ ડેમમાં પણ નવા પાણીની આવક થઈ છે. ભાણવડના ઈન્દ્રેશ્વર પાસે ખાલીખમ ડેમમાં નવા નીરની આવક વધતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

દેવભૂમિ જિલ્લામાં સતત બે દિવસ વરસાદ પડતા જિલ્લામાં ચારેય તાલુકામાં ૧૫૦થી વધુ નાના મોટા ચેકડેમો છલકાઈ ગયા હતા તથા ઓવરફલોનો નજારો જોવા રવિવારે લોકો ઉમટયા હતા.

ખંભાળિયામાં બાળનાથ પાસે, કોટા પાસે, કંડોરણા પાસે, સૂરજબા હરિપર પાસે, ખોડીયાર મંદિર પાસે, વડત્રા, ભાતેલ, કુહાડિયા, સામોટ વિ. ગામોમાં ચેકડેમમાં નજારા જોયા જેવા હતા.

(1:24 pm IST)