Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કાલે આપઘાત નિવારણ દિવસ

આત્મ હત્યાનો વિચાર આવે ત્યારે બધુ છોડી કુદરત કે પ્રકૃતિ પાસે જતા રહો

હમણા છેલ્લા કેટલાક સમયમાં આત્મહત્યાનાં બનાવો ધવવા લાગ્યા છે. દર વર્ષે ૧૦ મી સપ્ટેમ્બરે 'આપઘાત નિવારણ દિન' મનાવવામાં આવે છે. અમદાવાદમાં 'સાથ' સંસ્થા (આત્મ હત્યા નિવારણ સંસ્થા) તથા માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ દિવસ મનાવવમાં આવે છે. આત્મ હત્યા કરવા જઇ રહેલાઓની મુશ્કેલીઓ સમજી તેમને અવિચારી પગલુ ભરતા અટકાવવાના પ્રયાસો સથાય છે.

આત્મ હત્યા એ કોઇ પ્રશ્નોનો કે મુશ્કેલીઓનો સુઝાવ નથી. અંતિમ રસ્તો નથી. આત્મ હત્યા કરનાર છેવટે તો નર્કનો નિવાસી બને છે. પોતાની પાછળ પોતાના પરિવારના સભ્યોને, મિત્રોને, સ્વજનોને દુઃખ અને ગ્લાનીની ઉંડી ગર્તામાં ધકેલતા જાય છે. આત્મઘાતી વિચાર એ સમસ્યાનો ઉકેલ નથી. તેને ઉકેલવા સમજવા પ્રયત્નો કરો તો રસ્તા મળી શકે છે. આવુ થાય ત્યારે આટલુ કરો (૧) શાંતિ રાખો : જયારે કોઇપણ મુશ્કેલીઓ આવે કે આંધી આવે ત્યારે સૌપ્રથમ શાંતિ રાખો. જરાય ગભારાઇ ન જાવ કે ઉતાવળા કે બેબાકળા ન બનો. (ર) વિચાર સ્થળ છોડો : જરાપણ ખરાબ વિચાર આવે કે એ વિચારને પડતા મુકો, વિચાર કરવાનું છોડી દો. (૩) કુદરત પાસે જાવ : નબળા વિચાર આવે ત્યારે બધુ છોડી કુદરત કે પ્રકૃતિ પાસે જાવ. (૪) વ્યથા છોડો : આપની નજીક કોઇ હોય જે આપને સમજી શકતુ હોય, વિશ્વાસ હોય તેને તમારી વ્યથા-મુશ્કેલીઓ, ભુલો કહો. (૫) હિંમત રાખો : કોઇપણ પરિસ્થિતીમાં હિંમત રાખો. (૬) લાગણીઓને કાબુમાં રાખો : બહુ લાગણીવશ ન થાવ, લાગણીને કાબુમાં રાખતા શીખી લ્યો. (૭) પ્રયત્ન ચાલુ રાખો : આપઘાત એ સમસ્યાનો અંતિમ ઉકેલ નથીજ, દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ હોય જ છે. માત્ર હિંમત રાખવાની હોય છે. નવા વિચારો, નવા વિકલ્પોને અનુસરી શકો છો. જીંદગી અણમોલ છે. તેને નજીવી બાબતમાં વેડફી ના નાખો.

આપને કોઇપણ મુશ્કેલી, સમસ્યાઓ, આપત્તિ, ભય કે ડર હોય તો આત્મ હત્યાથી બચાવતી કોઇપણ નજીકની સંસ્થાનો સંપર્ક કરો. આવી જ અમદાવાદમાં કાર્યરત સંસ્થા 'સાથ' ના ટેલીફોન નં.૨૬૩૦૫૫૪૪ અથવા ૨૬૩૦૦૨૨૨ છે. અન્ય સંસ્થા માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ફોન ૨૬૭૪૨૪૧૪ છે.

સંકલન : અરવિંદ બી. વોરા, મો.૯૪૨૬૮ ૪૯૭૧૮

(12:14 pm IST)