Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કચ્છના અંજારમાં વૃદ્ધ બાપે પરિણીત પુત્રી ઉપર દુષ્કર્મ આચરતાં ચકચાર

દીકરી રાત્રે જ પડોશીના ઘેર દોડી ગઈઃ કળિયુગી બાપ જેલ હવાલે

ભુજ તા.૦૯: અંજાર તાલુકામાં આવેલા મેઘપર બોરીચી ગામે પોતાની સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારનાર કળિયુગી બાપની હરકતે બાપ દીકરીના સંબંધોને શર્મસાર કર્યા છે. ગત શુક્રવારે મોડી રાતે બનેલા આ બનાવમાં પોલીસે પણ ઝડપભેર પગલાં ભરીને આરોપી બાપને પકડીને જેલ હવાલે કરી દીધો છે. મેઘપર બોરીચી ગામે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ બાપે પોતાને ઘેર રિસામણે આવેલી યુવાન પરિણીત દીકરી ઉપર નજર બગાડીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી સગી દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ બાપની હવસથી ડરી ગયેલી દીકરી મધરાતે જ પડોશીના ઘેર દોડી ગઈ હતી. પડોશીઓએ ગભરાયેલી યુવતીને સાંત્વના આપીને પોલીસને જાણ કરી હતી. પિતાની ગંદી હરકતનો ભોગ બનનાર યુવતી થોડો સમય થયો પોતાના સાસરિયાથી રિસામણે માવીત્રે આવી હતી. દુષ્કર્મી વૃદ્ધ બે દીકરી અને એક દીકરાનો પિતા છે. તેની પોતાની પત્ની ઘર છોડી ચાલી ગઈ છે. બન્ને પુત્રીઓ પરણેલી છે. જ્યારે એક પુત્ર ૧૦ વર્ષનો છે, જે આ બનાવ સમયે સૂતો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક પગલાં ભરી દુષ્કર્મ ગુજારનાર બાપને પકડીને જેલ હવાલે કરી દીધો હતો.

(12:08 pm IST)