Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

એકતાના આશિર્વાદરૂપ તાજીયા માતમમાં: ચોતરફ હુસૈની રંગ છવાયો

આજે રાત્રિના તાજીયા જૂલુસ રૂપે ફરી સવારે વિરામ લેશેઃ કાલે બપોરે ફરી જૂલુસ રૂપે ફરીને કાલે રાત્રિના વિસર્જીત થશેઃ કરબલાના શહીદોની યાદમાં મનાવાતો મહોર્રમ માસઃ કાલે સૌરાષ્ટ્રભરમાં 'આશૂરાહ' પર્વ ઉજવાશેઃ સવારે કબ્રસ્તાનમાં 'શ્રાધ્ધતર્પણ' માટે મુસ્લિમો ઉમટી પડશેઃ આજે અને કાલે રોઝાઃ મસ્જિદોમાં આજે અને કાલે રાત્રે કુઆર્ન પઠનઃ સવારે વિશેષ નમાઝ, સુખ-સમૃદ્ધિ અને શાંતિ અર્થેની મંગાશે દુઆઓઃ એકબીજાને કરાશે ક્ષમા યાચના

વિંછીયામાં સબિલ :.. વિંછીયામાં મહોર્રમ માસ નીમિતે મુસ્લિમ સમાજ અને ન્યાઝે હુસેન શબીલ કમીટી વિંછીયા તરફથી સબીલોમાં વિવિધ ગરમા-ગરમ નાસ્તા ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંકસ સહિત સતત દસ-દસ દિવસ વિતરણ કરાયુ હતું. જેનો મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ લાભ લીધો હતો. 

રાજકોટ, તા. ૯ :. ઈસ્લામ ધર્મના મહાન શહીદોની સ્મૃતિમાં હાલમાં મનાવવામાં આવી રહેલ મહોર્રમ માસમાં ખાસ કરીને કરબલાના શહીદોની સ્મૃતિમાં રચાયેલા 'તાજીયા' આજે સાંજે ઈમામખાનામાંથી બહાર આવી જાહેરમાં પોતપોતાના માતમમાં આવી જઈ રાત્રિના ગામેગામ જૂલુસ રૂપે ફરનાર છે અને આવતીકાલે ઈસ્લામ ધર્મનો મહત્વનો દિવસ ૧૦મી મહોર્રમ એટલે કે 'આશૂરાહ' મનાવવામાં આવનાર છે.

૧૩૮૦ વર્ષ પહેલા ઈરાક દેશના કરબલા શહેરમાં ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબએ ધર્મની સત્યતાના કાજે પોતાના સાથીદારો સાથે ભવ્ય બલિદાન આપ્યુ હતુ જેની યાદમાં છેલ્લા ૧૦ દિ'થી ચાલી રહેલી હુસૈની મજાલિસોની આજે રાત્રિના પૂર્ણાહૂતિ થશે એ સાથે આજે રાત્રિના આશૂરાની રાત્રિ મનાવવામાં આવશે.

ખાસ કરીને તાજીયા આજે આખી રાત ફરશે અને કાલે દિવસના ફરી આવતીકાલે રાત્રે વિસર્જીત થશે. ૧૩૮૦ વર્ષ પહેલાની આ ઘટનામાં ગામેગામ મહોર્રમ માસ મનાવાઈ રહ્યો છે અને ખાસ કરીને કાલે આશૂરાહ સૌરાષ્ટ્રભરમાં મનાવવામાં આવશે.

આ ઉપરાંત કરબલાના ૭૨ શહીદોની યાદમાં ઠેર ઠેર જાહેરમાં સબિલો રચવામાં આવી છે તેના દ્વારા અમીર-ગરીબ સૌને વિના ભેદભાવે પાણી, સરબત, કોલ્ડ્રીંકસ, પ્રસાદ, નિયાઝ વિતરણ કરવામાં આવેલ છે અને રોશનીના ઝળહળાટ સાથે મુસ્લિમ વિસ્તારો હુસૈની રંગમાં રંગાઈ ગયા છે.

મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઈ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમા પણ અનેક ભાઈ-બહેનો આજે અને કાલે બે દિ'ના રોઝા રાખશે અને કાલે ૧૦મી મહોર્રમ ઈસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય 'આશૂરા'ના દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢશે અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાદ્ધ તર્પણ કરશે.

સૌરાષ્ટ્રમાં આજે સાંજે ૬ વાગ્યે તો કયાંક રાત્રે તાજીયા જાહેરમાં આવી જશે રાત્રે ૧૨ વાગ્યે જે તે ગામ કે શહેરમાં તાજીયા જૂલુસ રૂપે ફરનાર છે.

જાણવા મળ્યા મુજબ ભાવનગર-૪૦, જામનગર-૬૦૦, પોરબંદર-૪૦, ધોરાજી-૧૦૦, ઉના-૫૫, અમરેલી-૮૦, વાંકાનેર-૧૧, મોરબી-૧૧, જૂનાગઢ-૨૫૦ અને રાજકોટમાં અંદાજે ૧૯૦ જેટલા તાજીયા બન્યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્તારના રઝાનગરમાં બનેલા ૫૦ જેટલા તાજીયા જૂલુસ રૂપે ફરતા નથી અને સતત ૧૯માં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્તારના માતમમાં જ રહેશે.

જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઈફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે.

ઠેર-ઠેર હિન્દુ-મુસ્લિમોને ભારે માત્રામાં પ્રસાદ વિતરણ થઈ રહ્યુ હોય ભાઈચારા અને કોમી એકતાના ભવ્ય દર્શન થઈ રહ્યા છે તો અનેક હિન્દુ ભાઈ-બહેનો પણ તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે.(૨.૩૦)

ભાવનગર શહેરમાં ૩પ  અને જિલ્લામાંથી અંદાજે  ૧રપ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા

ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લીમ વિસ્તારોમાંથી ૩પ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા આજે તા. ૯-૯-ર૦૧૯ ને સોમવારે મોડી સાંજે પડમાં આવશે. અને તમામ તાજીયા તેના નકકી કરેલા સ્થાન (તખત) ઉપર મુકવામાં આવશે. જયારે મોડી રાત્રે આ તાજીયા ઝૂલૂસ તેના રાબેતા મુજબ રૂટ ઉપર ફરશે, વહેલી સવાર સુધી ફરશે ત્યારબાદ તખત ઉપર તાજીયા મુકવામાં આવશે. જયારે મંગળવારે સાંજે ૪ વાગ્યા બાદ તમામ તાજીયા ઝૂલૂસ તેના રૂટ મુજબ ફરશે ત્યારબાદ રાત્રીના ૧૦ કલાકે ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આવશે.

આ ઉપરાંત ભવનગર જિલ્લાનાં તમામ તાલુક મથકો જેમાં ખાસ કરીને તળાજા, પાલીતાણા, મહુવા, ઘોઘા, ગારીયાધાર, સિહોર, ગુંદી કોળીયાક સહિતનાં ગ્રામ્ય વિસ્તારો સહિત અંદાજે સમગ્ર જિલ્લામાંથી ૧રપ જેટલા તાજીયા આજે સોમવારે પડમાં આવશે અને મંગળવારે આ તમામ તાજીયા ટાઢા કરવામાં આવશે.

ભાવનગર શહેરમાં તાજીયા ઝૂલૂસ સંપૂર્ણ સુલેહ - શાંતિ સાથે નીકળી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સીટી ડીવાયએસપી મનીષ્ ઠાકરનાં અધ્યક્ષ સ્થાને ડી. એસ. પી. કચેરી ખાતે પોલીસ તંત્ર અને સેન્ટ્રલ તાજીયા કમીટીનાં આગેવાનોની બેઠક મળી હતી, આ બેઠકમાં પોલીસ પેટ્રોલીંગ, બંદોબસ્ત, ટ્રાફીકનાં પ્રશ્નો સહિતનાં બાબતે વિસ્તૃત ચર્ચા થઇ હતી, આ બેઠકમં સેન્ટ્રલ તાજીયા કમીટીનાં પ્રમુખ હુસૈનમીયાબાપુ અલફદાક, કરબા પ્રમુખ મહેબુબભાઇ શેખ, કાળુભાઇ બેલીમ, શબ્બીરભાઇ ખલાણી, રજાકભાઇ કુરેશી, સીરાજ નાથાણી, સલીમભાઇ વરતેજી, સોહિલભાઇ કાઝી, સલીમ શેખ મુરાદ સમા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

આ ઉપરાંત એસ. પી. કચેરીની બેઠકમાં બે દિવસ પૂર્વે ભરતનગર વિસ્તારનાં એક મુસ્લીમ તરૂણ અઝીમ વાહીદભાઇ દેખૈયાને સબીલે હુસેનની લાઇટ ચાલુ કરવા જતાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નિપજયું હતું. આ મર્હુમનાં હકકમાં આ બેઠકમાં ખાસ દુઆઓ કરવામાં આવી હતી તેમજ મુસ્લીમ સમાજનાં આગેવાનો આજે ભરતનગર ખાતે મર્હુમના નિવાસ સ્થાને ગયા હતા અને પરિવારજનોને દીલાસો પાઠવ્યો હતો.

(12:06 pm IST)