Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિરપુર પંથકના ૬ ખેડૂતો સાથે છેતરપીંડી

સરકારી સ્કીમ જેવી સબસીડી આપવાની વાત કરી જંતુનાશક દવા-પમ્પ આપવાના નામે રૂપિયા ખંખેરી લીધાઃ જૂનાગઢના વિજય આહિર સહિતના સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૯ :. વિરપુર પંથકના ૬ ખેડૂતોને જંતુનાશક દવા તથા પમ્પ આપવાની વાત કરી રૂપિયા ખંખેરી ઠગાઈ કરનાર જૂનાગઢના આહિર શખ્સ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના કાગવડ ગામે રહેતા વેપારી સંજયભાઈ વિઠ્ઠલભાઈ ગઢીયાએ વિરપુર પોલીસ મથકમાં વિજય આહિર એગ્રી ફાર્મ સોલ્યુશન ઓફિસવાળા રહે. જૂનાગઢ તથા તેની સાથે સંકળાયેલ વ્યકિતઓ સામે ફરીયાદ કરી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ આરોપીઓએ ફરીયાદી તથા અન્ય પાંચ ખેડૂતોને ફોન કરી ખેતીવાડી વિભાગના નામનો ખોટો ઉપયોગ કરી સરકારી સ્કીમ જેવી સબસીડી આપવાની વાત કરી વિશ્વાસમાં લઈ જંતુનાશક દવા તથા દવા છાંટવાની પમ્પવાળી કીટના ૧૫૦૦ રૂ. લઈ પ્રમાણિત દવા અને પુરતો સામાન નહિ આપી ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે વિરપુર પોલીસે વિજય આહિર સહિતના શખ્સો સામે આઈપીસી ૪૦૬, ૪૧૯, ૪૨૦ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)