Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ભાણવડમાં છેલ્લા પાંચ દિવસમાં મોસમનો પચાસ ટકા વરસાદ પડી જતાં લીલાલહેર

ભાણવડ  તા.૯: ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં ભકતજનોએ ગણેશ તેડાવ્યા અને એ પછીના ચાર દિવસમાંથી એક જ દિવસ કોરો ગયો અને બાકીના ત્રણ દિવસમાં જ મોસમના કુલ વરસાદનો લગભગ અડધો અડધ વરસાદ પડી ગયો છે. શહેરમાં તા.૪ સપ્ટેના રોજ ધોધમાર બે ઇચ તા.૫ સપ્ટેના ફરી બે ઇચ વરસાદ પડયા બાદ તા.૬ના રોજ વિરામ લીધો હતો અને શનિવાર તા.૭ સપ્ટેના સાંજના પાંચથી આઠ વાગ્યા સુધીમાં સાડા ચાર અને બાદમાં અડધો ઇચ થઇ કુલ પાંચેક ઇચ જેવો વરસાદ ખાબકી જતાં નબળા વર્ષની ભિતીમાં સપડાયેલો ભાણવડ તાલુકો ચિંતામુકત થઇ ગયો છે. હાલ ભાણવડમાં સરકારી આંકડા મુજબ મોસમનો કુલ વરસાદ ૨૦ ઇંચે પહોંચી ગયો છે ત્યારે એમ કહી શકાય કે, ભાણવડ માટે ભાદરવો ભડ રહ્યો છે તો સાથે સાથે ગણેશભકતો ગણેશના આગમનને શકનવંત માની ગણેશ આવ્યા, વરસાદ લાવ્યાના નારા પણ ગણેશના પંડાલોમાં લગાવી રહ્યા છે.

ત્યારે સમગ્ર તાલુકાની વાત કરવામાં આવે તો સીટી કરતા ગ્રામ્યનું પંથકમાં વધુ વરસાદ પડયો છે અને તાલુકાની અનેક સિંચાઇ યોજનાઓ તેમજ ડેમો છલકાઇ ગયા છે અથવા તૈયારીમાં છે જેમાં વેરાડી-૧, કબરકા, વાનાવડના ડેમો છલકાઇ ગયા છે જયારે ભાણવડ શહેરની જીવાદોરી સમાન સતસાગર તળાવ એક ફુટ બાકી છે અને વર્તુ-૨ ડેમ કે જે પોરબંદર જીલ્લાના ૧૨ અને ભાણવડ તાલુકાના ૮ ગામોને સિંIચઇ માટે પાણી પુરૂ પાડે છે તે હમણા સુધી તળીયા ઝાટક હતો તેમાં પણ માતબર માત્રામાં જળરાશી ઠલવાઇ ગઇ છે અને ૩૦ ટકા ભરાઇ ગયો છે અને હજુ પાણીની આવક ચાલુ જ છે ત્યારે એમ કહી શકાય કે, છેલ્લા ચાર દિવસના વરસાદે ભાણવડ તાલુકાની દશા અને દિશા બદલી નાખી છે.

(12:03 pm IST)