Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરના આરીખાણામાં આભ ફાટ્યું : એક કલાકમાં 10 ઈંચ ખાબક્યો :સુત્રાપાડાના ખેરા 5 કલાકમાં ધોધમાર 7 ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર : મોસમનો કુલ સરેરાશ વરસાદ 101 ટકાને પાર પહોંચ્યો : 33 જળાશયો ઓવરફ્લો : 15 ડેમો છલકાવાની તૈયારી

જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં આભ ફાટ્યું હતું. આરીખાણા ગામમાં એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી

 જામનગરમાં ત્રણ અને ભાણવડમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો કચ્છના નખત્રાણા અને અબડાસામાં અનુક્રમે એક ઈંચ પાણી પડ્યું હતું તો ભાવનગરના વલ્લભીપુર સિવાયના શહેરો માત્ર છાંટાથી ભીંજાયા હતાં. રાજકોટમાં દિવસભર વાદળો જાણે તૂટી પડવાના હોય તેવા ગોરંભાયા હતા અને મોડી સાંજ બાદ વરસવાનું શરૂ કર્યું હતું. અમરેલી જિલ્લાના ધારી અને લાઠીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 4 ઈંચ, માણાવદર અઢી ઈંચ, કેશોદ 1 ઈંચ, વંથલી 1 ઈંચ, ભેંસાણ-મેંદરડા અને માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં 1 ઈંચ, ગિર ગઢડામાં અડધો ઈંચ, વેરાવળ 1 ઈંચ, તાલાલા 3 ઈંચ, કોડીનાર 3 ઈંચ, સુત્રાપાડામાં 6 ઈંચ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં અઢી ઈંચ, કુતિયાણા પોણો ઈંચ, રાણાવાવ પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજે જામનગર જિલ્લામાં પણ મેઘસવારી આવી પહોંચી હતી અને જામનગર શહેરમાં ત્રણ ઈંચ અને ભાણવડમાં એક કલાકમા ચાર ઈંચ વરસાદ વરસી પડ્યો હતો.
સૌરાષ્ટ્રનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 101.16 ટકાએ પહોંચ્યો છે ત્યારે જનજીવનમાં અનેરી ખુશાલી વર્તાઇ રહી છે. સૌરાષ્ટ્રના કુલ 139 પૈકીના 33 જળાશય છલકાઇ ગયા છે અને 15 જેટલા જળાશય છલકાવાના આરે પહોંચી ગયા છે.

(8:45 am IST)