Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વાંકાનેરમાં જેડશ્વરના મેળામાં હૈયેહૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી

વાંકાનેર નજીક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ટેકરી પર બિરાજમાન જડેશ્વરદાદાના મંદિરે મેળો ભરાતા જનમેદની ઉમટી : હજારો લોકોએ ફજેત ફાળકા, અવનવી રાઇડ્સ, મોતનો કૂવો, ખાણી પીણીના સ્ટોલની મનભરીને મોજ માણી

  મોરબીથી નજીક પણ વાંકાનેરની હદમાં આવતા આસ્થાના કેન્દ્ર સમાન અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ટેકરી પર બિરાજમાન જડેશ્વરદાદાના મંદિરે આજે શ્રાવણ માસના બીજા સોમવારે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો હતો. કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા આ લોકમેળામાં જનમેદની ઉમટી પડી હતી અને મોરબી-વાંકાનેર તેમજ સૌરાષ્ટ્રભરના હજારો લોકો આ મેળાની મનભરીને મોજ માણી હતી.

જડેશ્વરદાદાના મંદિરે ગઈકાલે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પેટલ અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે બે દિવસીય લોકમેળાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો.જો કે વર્ષોથી લોકવાયકા મુજબ શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીં જડેશ્વરદાદાનો પ્રાગટય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા મુજબ આજે જ સાચો મેળો ભરાયો હતો. તેમજ આ વખતે વરસાદ પણ સારો થયો છે. એટલે જડેશ્વર દાદાના આસપાસનો પ્રાકૃતિક નજારો ઔર ખીલી ઉઠ્યો છે. જડેશ્વરદાદાના મંદિરની આસપાસનું સ્થળ લીલીછમ ચાદરથી મનોરમ્ય બની ગયું છે. ત્યારે બે વર્ષ બાદ આજે જડેશ્વરદાદાના મંદિરે મેળો ભરાતા સવારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે વરસાદ ન હોય અને તાપ પણ ન હોવાથી ધીરેધીરે માણસો વધતા મેળાની રોનક ખીલી ઉઠી હતી. આ મેળામાં અનેક ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ સહિતના મનોરંજનના તમામ સાધનો અને એકથી એક ચડિયાતા ખાણી પીણીનો અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા. મેળામાં વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જડેશ્વર દાદાના મંદીરેથી સૌરાષ્ટ્રભરમાં મેળાની શરૃઆત થાય છે. હવે સૌરાષ્ટ્રભરમાં અનેક મેળાની મહેફિલ જામશે. તેથી આજે હાલો માનવીયું મેળે..નો બે વર્ષ પછી સાદ પડતા જડેશ્વરદાદાના મંદિરે મેળામાં જનમેદની ઉમટી પડી હતી.

(12:46 pm IST)