Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજુલામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

રાજુલા : શહેરમાં રાજુલા પોલિસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા એસ પી હિમકર સિંહના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલાના વિભાગીય પોલીસ અધિકારી ડીવાયએસપી કે. જે. ચૌધરી  રાજુલાના પીઆઈ એ. એમ. દેસાઈ  અને પોલિસ સ્ટાફની હાજરીમાં શાંતિ સમિતિની  બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાલુ શ્રાવણ માસ શરૃ હોય અને આવતા દિવસોમાં બળેવ, રક્ષાબંધન, જન્માષ્ટમી ,ગણેશ ચતુર્થી જેવા હિન્દુ ધર્મના તહેવારો આવતા હોય  અને મુસ્લિમ સમાજનો મોહરમ અને તાજીયાના તહેવાર પણ આવતા હોય ત્યારે બન્ને સમાજના આગેવાનોને બોલાવી અને શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવામાં આવે અને કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી ભાઈચારો જળવાઈ રહે તે અંગેના જરૃરી સૂચનો કર્યા અને લોકોના સુચનો સાંભળ્યા હતા અને એસપી હીમકરસિંહ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તમારો મોબાઈલ કે વાહન ચોરાઈ જાય તો તમારે હવે પોલીસ સ્ટેશન પર આવવુ નહી પડે તમારા મોબાઈલ પર થી હવે ઈ ફરિયાદ એફ આઈ આર નોંધાવી શકશો. પોલિસ ફરિયાદ દાખલ થઈ જશે. આ હજી શરૃઆત છે આવતા દિવસોમાં હજી ઘણી ફરિયાદ તમે ઘરે બેઠા કરી શકશો. આ મિટિંગમાં નગર પાલિકાના પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિન્દુ મુસ્લિમ સમાજના પ્રમુખ અને અગ્રણી આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

(12:14 pm IST)